5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી : ચૂંટણી પંચે ‘મેન્યૂ અને રેટ’ જારી કર્યું, ઉમેદવારોના એકાઉન્ટમાં જોડાશે ખર્ચ

ચૂંટણી પંચે આ વખતે ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં ખર્ચ થનાર સામગ્રીની કિંમત અંગેની યાદી બહાર પાડી

ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં ઉપયોગ થનાર કાર, ટેમ્પો, ચા, સમોસા, આઈસ્ક્રીમ સહિત પ્રત્યેક પ્રોડક્ટની કિંમત નિર્ધારીત કરાઈ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી : ચૂંટણી પંચે ‘મેન્યૂ અને રેટ’ જારી કર્યું, ઉમેદવારોના એકાઉન્ટમાં જોડાશે ખર્ચ 1 - image

નવી દિલ્હી, તા.14 ઓક્ટોબર-2023, શનિવાર

આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી (Assembly Election 2023)માં તમામ રાજકીય પક્ષો પ્રચારમાં જોડાઈ ગઈ છે, ત્યારે ચૂંટણી પંચે (Election Commission) ઉમેદવારો અને રાજકીય પક્ષોને લઈને ઘણા મોટા નિર્ણય લીધા છે. ઉમેદવારો પણ ચૂંટણીમાં અઢળક નાણાં ખર્ચતા હોય છે, જેને ધ્યાને રાખી ચૂંટણી પંચે આ વખતે ચૂંટણીમાં ખર્ચ થનાર સામગ્રીની કિંમત અંગેની યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચા, કોફી, સમોસા, રસગુલ્લા, આઈસ્ક્રીમ સહિત પ્રત્યેક પ્રોડક્ટની કિંમત નક્કી કરવામાં આવી છે. આ તમામ ખર્ચ ઉમેદવારોના એકાઉન્ટમાં જોડવામાં આવશે.

ચૂંટણી પંચ ઉમેદવારોના તમામ ખર્ચ પર નજર રાખશે

ચૂંટણી પંચે પ્રચાર સામગ્રી તેમજ સભામાં ઉપયોગમાં લેવાયેલા સામાનની કિંમત નિર્ધારિત કરી છે. ચૂંટણી પંચ પોતાની રેટ લિસ્ટ મુજબ જ ઉમેદવારોના ખર્ચનું આંકલન કરશે. વાસ્તવમાં ઉમેદવારો ચૂંટણી ટાણે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, જોકે હવે આવું કરવું અશક્ય છે, કારણ કે ચૂંટણી પંચ ઉમેદવારોના તમામ ખર્ચ પર નજર રાખશે.

ભાડાની યાદીમાં ખુરશીથી લઈને ટેબલના ફિક્સ રેટ

ઉમેદવારોના ખર્ચની મોનિટરિંગની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરાશે. ઉપરાંત પંચે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર સામાનની પણ લીસ્ટ તૈયાર કરી છે. આ રેટ લિસ્ટ મુજબ ચૂંટણી સભા અને કાર્યક્રમોમાં ઉપયોગમાં આવનાર સામાનનું ભાડું પણ ફિક્સ કરાયું છે. પ્રતિ દિવસ એક પ્લાસ્ટિકની ખુરશીના 5 રૂપિયા, પાઈપની ખુરશીના 3 રૂપિયા, વીઆઈપી ખુરશીના 105 રૂપિયા, લાકડાના ટેબલના 53 રૂપિયા, ટ્યૂબલાઈટ 10 રૂપિયા, હૈલોજન 500 વૉટ 42 રૂપિયા, 1000 વૉટના 74 રૂપિયા, વીઆઈપી સોફાસેટનો ખર્ચો 630 રૂપિયા મુજબ ઉમેદવારના એકાઉન્ટમાં જોડાશે.

જમવાની પ્લેટના 71 રૂપિયા

ચૂંટણી પંચ ઉમેદવારો દ્વારા ખર્ચ થનાર ખાદ્ય સામગ્રી પર પણ નજર રાખશે, જેમાં પ્રતિ કિલો કેરી રૂ.63, કેળું રૂ.21, સેવ રૂ.84, દ્રાક્ષ રૂ.84 મુજબ જોડવામાં આવશે. આરઓ પાણીની કેન 20 લીટરની 20 રૂપિયા, કોલ્ડ ડ્રિક્સ અને આઈસ્ક્રીમ MRP મુજબ ખર્ચમાં જોડવામાં આવશે. શેરડીના રસના (નાનો ગ્લાસ) રૂ.10, જમવાની પ્રતિ પ્લેટના રૂ.71 નિર્ધારીત કરવામાં આવ્યા છે. ઉપરાંત પ્લાસ્ટિકના ઝંડાના રૂ.2, કપડાના ઝંડાના રૂ.11, નાના સ્ટીકરના રૂ.5, પોસ્ટ રૂ.11, પ્રતિ ફૂટ કટ આઉટ વુડન, કપડા અને પ્લાસ્ટિકના રૂ.53, હોર્ડિંગના રૂ.53, પેમ્પલેટ (પ્રતિ હજાર)ના રૂ.525 મુજબ ઉમેદવારોના એકાઉન્ટમાં જોડવામાં આવશે.

કારનું ભાડું દૈનિક રૂ.2625

ઉમેદવારો દ્વારા થતા અન્ય ખર્ચમાં પ્રતિ દિવસ 5 સીટર કારનું ભાડું 2625 અથવા 3675 રૂપિયા, મિની બસ 20 સીટર 6300 રૂપિયા, 35 સીટર બસનું ભાડું 8400 રૂપિયા નિર્ધારીત કરાયું છે. ટેમ્પો 1260 રૂપિયા, વીડિયો વેન 5250 રૂપિયા, ડ્રાઈવર મજુરી 630 રૂપિયા પ્રતિદિવસ મુજબ નિર્ધારીત કરાયું છે. ચૂંટણી પંચની ખર્ચ યાદી મુજબ ચા રૂ.5, કોફી રૂ.13, સમોસા રૂ.12, રસગુલ્લા પ્રતિ કિલો રૂ.210 મુજબ ખર્ચ કરી શકે છે. ઉપરાંત અન્ય તમામ વસ્તુઓના પણ રેટ નિર્ધારીત કરાયા છે.

ખર્ચની વિગતો આપવી ફરજિયાત

ઉલ્લેખનિય છે કે, ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં કરેલ ખર્ચની વિગતો ચૂંટણી પંચને ફરજિયાત આપવાની હોય છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં જે ઉમેદવારોએ ખર્ચની વિગતો આપી નથી, તેમની સામે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે તાજેતરમાં જ રાજસ્થાનના 46 નેતાઓને અયોગ્ય જાહેર કર્યા છે અને ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે (Election Commission) આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ કહેવાતી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની તાજેતરમાં જ જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં 7 નવેમ્બર, છત્તીસગઢ (Chhattisgarh)માં બે તબક્કામાં 7 અને 17 નવેમ્બર, રાજસ્થાન (Rajasthan)માં 23 નવેમ્બર, તેલંગણા (Telangana)માં 30 નવેમ્બરે અને મિઝોરમ (Mizoram)માં 7 નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે પાંચેય રાજ્યોના પરિણામો ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે.

  5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી : ચૂંટણી પંચે ‘મેન્યૂ અને રેટ’ જારી કર્યું, ઉમેદવારોના એકાઉન્ટમાં જોડાશે ખર્ચ 2 - image


Google NewsGoogle News