મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં CM બનાવવા અંગે BJP હાઈકમાન્ડનો મોટો નિર્ણય, રાજકારણમાં શરૂ થઈ નવી ચર્ચા
ભાજપ ત્રણે રાજ્યોમાં કોઈ ધારાસભ્યને નહીં પણ અન્યને મુખ્યમંત્રી બનાવે તેવા અહેવાલ
12 સાંસદોનું રાજીનામા આપવાનું કારણ CMની પસંદગી માટે પાર્ટી નેતૃત્વની પ્રક્રિયાનો ભાગ
નવી દિલ્હી, તા.06 નવેમ્બર-2023, બુધવાર
Assembly Election 2023 : ભાજપે 3 રાજ્યો રાજસ્થાન, છત્તીગઢ અને મધ્યપ્રદેશમાં પ્રચંડ જીત મેળવી લીધા બાદ હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે, આ ત્રણેય રાજ્યોમાં કોના માથે મુખ્યમંત્રીનો તાજ જશે... ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી કરવી ભાજપ માટે પણ સૌથી મોટુ કાર્ય છે, ત્યારે આ મામલે BJP નેતૃત્વએ મોટો નિર્ણય લીધો છે. એવું કહેવાઈ રહ્યું છે કે, ભાજપ ત્રણે રાજ્યોમાં કોઈ ધારાસભ્યને નહીં પણ અન્યને મુખ્યમંત્રી બનાવી શકે છે. આ બાબત સામે આવ્યા બાદ મધ્યપ્રદેશમાં હાલના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan)ને ફરી સત્તા પર બેસાડવા પર આશંકાના વાદળો યથાવત્ જોવા મળી રહ્યા છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે, ભાજપ ત્રણે રાજ્યોમાં નવા ચહેરાને તક આપી શકે છે.
સાંસદોએ આપ્યું રાજીનામું
તાજેતરમાં જ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રણ રાજ્યોમાં જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે માત્ર એક જ રાજ્ય તેલંગણામાં જીત મેળવી પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છો, તો મિઝોરમમાં ZPMએ સત્તા હાંસલ કરી છે, ત્યારે વિધાનસભા ચૂંટણીમાં જીતી ગયેલા ભાજપના 12 સાંસદોએ આજે સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારા સાંસદોમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલ સહિત 9 લોકસભા સાંસદો અને એક રાજ્યસભાના સભ્યનો સમાવેશ થાય છે. રાજીનામા આપવાનું મુખ્ય કારણ 3 રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી માટે પાર્ટી નેતૃત્વની પ્રક્રિયાનો ભાગ છે. રાજીનામું આપનાર અન્ય સાંસદોમાં દીયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને રાકેશ સિંહ સામેલ છે. જ્યારે રેણુકા સિંહ અને મહંત બાલકનાથે રાજીનામું આપ્યું નથી.