Assembly Election 2023: પાંચેય રાજ્યોમાં બનશે કોંગ્રેસની સરકાર- મલ્લિકાર્જુન ખડગેનો મોટો દાવો
Image Source: Twitter
- બીજેપી પોતાના કોઈ પણ વચનોને પૂરા નથી કરી શકી: મલ્લિકાર્જુન ખડગે
કલબુર્ગી, તા. 25 ઓક્ટોબર 2023, બુધવાર
Five State Assembly Election 2023: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બીજેપી અને કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ બરાબર ચાલી રહી છે. અમને પૂરો વિશ્વાસ છે કે, અમે પાંચેય રાજ્યોમાં જીત પ્રાપ્ત કરીશું. બીજેપી માટે સત્તા વિરોધી લહેર છે. લોકો મોંઘવારી અને બેરોજગારીથી નારાજ છે. બીજેપી પોતાના કોઈ પણ વચનોને પૂરા નથી કરી શકી.
કર્ણાટકના કલબુર્ગીમાં પહોંચેલા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અશોક ગેહલોત રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સારુ કામ કરી રહ્યા છે. ત્યાં કોઈ મુદ્દો નથી. એમપીમાં શિવરાજ સિંહ ચૌહાણના કારણે સમસ્યા છે. લોકો તેમના વિરુદ્ધ છે. તેથી અમને આશા છે કે, અમે તમામ પાંચ રાજ્યોમાં પોતાની સરકાર લાવીશુ અને બધુ બરાબર થઈ જશે.
વિધાનસભા અને લોકસભા ચૂંટણીના મુદ્દા અલગ-અલગ
શું પાંચ રાજ્યોની ચૂંટણી 2024ની લોકસભા ચૂંટણી પહેલા સેમિફાઈનલ થશે? આ સવાલના જવાબમાં ખડગેએ કહ્યું કે, ના એવું નથી. દરેક રાજ્યોના અલગ-અલગ ચૂંટણી મુદ્દા હોય છે. તે પ્રમાણે જ મતદાન થાય છે. લોકસભા ચૂંટણી વિધાનસભા ચૂંટણીથી અલગ હોય છે. પીએમ મોદી દરેક ચૂંટણીમાં લોકોને તેમને ચૂંટવા માટે મત આપવાનું કહે છે. પરંતુ લોકો સ્થાનિક નેતાઓને મત આપે છે જેમણે તેમના માટે અને તેમની સમસ્યાઓને હલ કરવા માટે કામ કર્યું હોય.
ભાજપે પોતાના વચનો પૂરા ન કરતા લોકો પરેશાન
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમારા લોકો દરેક જગ્યાએ કામ કરી રહ્યા છે. અમને આશા છે કે, અમે પાંચેય રાજ્યોમાં ચોક્કસ જીત મેળવીશું. બીજેપી સામે એક વિરોધી લહેર પણ છે. લોકો તંગ આવી ચૂક્યા છે. લોકો બેરોજગારીથી પરેશાન છે. ભાજપે જે વચનો આપ્યા તે પૂરા નથી કર્યા. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહણથી લોકોને પરેશાની છે અને લોકો તેમના વિરુદ્ધ બોલી રહ્યા છે.