Get The App

સાત રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી : 13 માંથી 10 બેઠક પર ઇન્ડિયાનો સપાટો

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
સાત રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી : 13 માંથી 10 બેઠક પર ઇન્ડિયાનો સપાટો 1 - image


- લોકસભા ચૂંટણીના એક જ મહિનામાં ભાજપને બીજો આંચકો

- ભાજપ બે બેઠકોમાં સમેટાયો, હિમાચલમાં કોંગ્રેસ, પશ્ચિમ બંગાળમાં ટીએમસીની ક્લિન સ્વિપ, પંજાબમાં આપનો વિજય

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધને જબરજસ્ત દેખાવ કરતાં ૪૦૦થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય લઈને ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભાજપને ૨૪૦ બેઠકો સુધી સિમિત કરી દીધો હતો. આ ચૂંટણીઓ પછી માત્ર એક જ મહિનામાં સાત રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પણ ઈન્ડિયા ગઠબંધને અભૂતપૂર્વ દેખાવ કરતા ૧૦ બેઠકો જીતી લીધી છે જ્યારે ભાજપના હાથમાં માત્ર બે બેઠક આવી છે અને એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પર્વતીય રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કમાલ કરી છે જ્યારે મમતા બેનરજીના ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં ક્લિન સ્વીપ કરી છે. 

દેશમાં પશ્ચિમ બંગાળમાં ચાર બેઠક, હિમાચલ પ્રદેશમાં ત્રણ, ઉત્તરાખંડમાં બે અને પંજાબ, મધ્ય પ્રદેશ, બિહાર તથા તમિલનાડુમાં વિધાનસભામાં એક-એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ઈન્ડિયા ગઠબંધનથી વિપરિત ભાજપને માત્ર મધ્ય પ્રદેશ અને હિમાચલમાં એક-એક બેઠક જીતી હતી. બીજીબાજુ પંજાબમાં આમ આદમી પાર્ટીના ખાતામાં પણ એક બેઠક આવી છે.

મધ્ય પ્રદેશની અમરવાડા, બિહારની રૂપૌલી, પંજાબની જાલંધર પશ્ચિમ, પશ્ચિમ બંગાળની રાનાઘાટ દક્ષિણ, રાયગંજ, બાગદા, માનિકતલા, હિમાચલની હમીરપુર, દેહરા અને નલગઢ, ઉત્તરાખંડની બદ્રીનાથ, મંગલૌર અને તમિલનાડુની વિક્રવંડી વિધાનસભા બેઠકો પર ૧૦ જુલાઈએ મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ૪, તૃણમૂલ કોંગ્રેસે ૪, ભાજપના બે અને આપ, ડીએમકે અને અપક્ષોએ એક-એક બેઠક જીતી છે.

ઉત્તરાખંડમાં કોંગ્રેસે ક્લિન સ્વિપ કરતાં બંને બેઠકો પર કબજો જમાવ્યો છે. મંગલૌર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કાજી નિઝામુદ્દીને ભાજપના કરતાર સિંહ ભડાનાને હરાવ્યા હતા. બીજીબાજુ બદ્રીનાથ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના લખપત સિંહ બુટોલાએ ભાજપ ઉમેદવાર રાજેન્દ્રસિંહ ભંડારીને હરાવ્યા હતા. થોડાક દિવસ પહેલા જ લોકસભા ચૂંટણીમાં ઉત્તરાખંડમાં કોંગ્રેસનું ખાતું પણ ખૂલી શક્યું નહોતું. એ જ રીતે હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. હિમાચલમાં ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની હતી. તેમાંથી બે બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ છે જ્યારે ભાજપે એક જ બેઠકથી સંતોષ માનવો પડયો હતો. હિમાચલમાં મુખ્યમંત્રી સૂખ્ખુના પત્ની કમલેશ ઠાકુરનો દેહરા બેઠક પર ભાજપના ઉમેદવારને ૯,૩૯૯ મતોથી હરાવ્યા હતા.

પર્વતીય પ્રદેશોમાં કોંગ્રેસની જેમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે પણ ક્લીન સ્વિપ આપી હતી અને ચારેય બેઠક જીતી લીધી હતી. ભાજપે હિમાચલ પ્રદેશની સાથે મધ્ય પ્રદેશમાં માત્ર એક બેઠક જીતવામાં સફળતા મેળવી હતી. પેટા ચૂંટણીઓમાં સૌથી મોટો ઉલટફેર બિહારમાં જોવા મળ્યો હતો, જ્યાં અપક્ષ ઉમેદવાર શંકર સિંહ વિજયી થયા હતા. તેમણે જદયુનાં કલાધર મંડલને ૮,૦૦૦ મતોથી હરાવ્યા હતા. જોકે, રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની દિકરી બીમા ભારતી હારી ગઈ હતી અને તે ત્રીજા નંબર પર હતી. પંજાબમાં આમ આદમી પાર્ટીના મોહિન્દર ભગત તથા તમિલનાડુના વિક્રવંડી વિધાનસભા બેઠક પર શાસક ડીએમકેએ વિજય મેળવ્યો છે.

ભાજપની ભય અને ભ્રમની જાળ તૂટી ગઈ: રાહુલ

સાત રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધને ૧૦ બેઠકો જીતી લેતા એક જ મહિનામાં બીજી વખત ભાજપને મોટો ફટકો પડયો છે. આ બેઠકોના પરિણામો શનિવારે જાહેર થયા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, સાત રાજ્યોમાં થયેલી પેટા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ દ્વારા ઊભી કરાયેલી ભય અને ભ્રમની જાળ તૂટી ગઈ છે. ખેડૂત, યુવાનો, મજૂરો, વેપારી અને નોકરિયાતો સહિત દરેક વર્ગ તાનાશાહીનો સમૂળ નાશ કરીને ન્યાયનું રાજ સ્થાપિત કરવા માગે છે. પોતાનું જીવન સારું કરવા અને બંધારણના રક્ષણ માટે જનતા હવે સંપૂર્ણપણે ઈન્ડિયા ગઠબંધનની સાથે ઊભી છે. જય હિન્દુસ્તાન, જય સંવિધાન.

પેટા ચૂંટણીમાં પક્ષોની સ્થિતિ

રાજ્ય

બેઠક

વિજેતા ઉમેદવાર (પક્ષ)

કેટલા મતે જીત્યા

હિમાચલ

દેહરા

કમલેશ ઠાકુર (કોંગ્રેસ)

૯૩૯૯

હિમાચલ

નાલાગઢ

હરદીપસિંહ બાવા (કોંગ્રેસ)

૮૯૯૦

હિમાચલ

હમીરપુર

આશિષ શર્મા (ભાજપ)

૧૫૭૧

ઉત્તરાખંડ

બદ્રીનાથ

લખપત બુટોલા (કોંગ્રેસ)

,૨૨૪

ઉત્તરાખંડ

મંગલૌર

મોહમ્મદ નિઝામુદ્દીન (કોંગ્રેસ)

૪૨૨

મધ્ય પ્રદેશ

અમરવાડા

કમલેશ પ્રતાપ શાહ (ભાજપ)

,૦૨૭

બિહાર

રુપૌલી

શંકરસિંહ (અપક્ષ)

,૨૪૬

પંજાબ

જાલંધર પશ્ચિમ

મોહિન્દર ભગત (આપ)

૩૭,૩૨૫

તમિલનાડુ

વિક્રવંડી

અન્નિયુર શિવા (ડીએમકે)

૬૭,૭૫૭

બંગાળ

રાયગંજ

કૃષ્ણ કલ્યાણી (ટીએમસી)

૫૦૦૭૭

બંગાળ

રાણાઘાટ દક્ષિણ

મુકુટમણિ અધિકારી(ટીએમસી)

૩૯૦૪૮

બંગાળ

બાગદા

મધુપર્ણા ઠાકુર (ટીએમસી)

૩૩૪૫૫

બંગાળ

માનિકતલા

સુપ્તિ પાંડે (ટીએમસી)

૬૨૩૧૨


ભાજપના પાંચ પક્ષપલટુ ઉમેદવાર હાર્યા, બે માંડ માંડ જીત્યા

નવી દિલ્હી : ભાજપ વિપક્ષોના ધારાસભ્યોને પૈસા અને પાવરના જોરે ખેંચીને રાજીનામાં અપાવીને પછી પોતાની ટિકિટ પર લડાવવાનું ગંદુ રાજકારણ રમે છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની આ મેલી રમતને મતદારોએ લપડાક મારી છે અને તેના પાંચ પક્ષપલટુ ઉમેદવારો હારી ગયા છે.

પંજાબમાં જલંધર પશ્ચિમ બેઠક પર પક્ષપલટુ શીતલ અંગુરાલ હારી ગયા છે જ્યારે બદ્રીનાથ બેઠક પર રાજેન્દ્રસિંહ ભંડારી હારી ગયા છે. અંગુરાલ પહેલાં આપના ધારાસભ્ય હતા જ્યારે ભંડારી કોંગ્રેસના ધારાસભ્ય હતા. 

હિમાચલ પ્રદેશના હમીરપુરમાં જીતેલા આશિષ શર્મા પણ ૨૦૨૨માં અપક્ષ તરીકે ૧૨,૮૯૯ મતે જીતેલા પણ આ વખતે માંડ ૧૫૭૧ મતે જીત્યા છે. ૨૦૨૩માં અમરવાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ૨૫,૦૮૬ મતે જીતનારા કમલેશ શાહ ભાજપના ઉમેદવાર તરીકે ૩૦૫૧ મતે માંડ માંડ જીત્યા છે. 

નાલાગઢમાં ૨૦૨૨માં અપક્ષ તરીકે ૧૩,૨૬૪ મતે જીતેલા ક્રિશનલાલ શર્મા ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના હરદીપસિંહ બાવા સામે ૮૯૯૦ મતે હારી ગયા છે. હિમાચલની દેહરા બેઠક પરથી જ ૨૦૧૭ અને ૨૦૨૨માં સળંગ બે વાર જીતનારા હોશિયારસિંહ કોંગ્રેસમાં કમલેશ ઠાકુર સામે ૯,૩૯૯ મતે હારી ગયા છે. 

રસપ્રદ વાત એ છે કે, ભાજપ છોડીને મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં ગયેલા મુકુટ મણિ અધિકારી અને કૃષ્ણ કલ્યાણી બંને જીતી ગયા છે.

સાત રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી : 13 માંથી 10 બેઠક પર ઇન્ડિયાનો સપાટો 2 - image

ભાજપને સૌથી મોટો ફટકો: પ.બંગાળમાં ત્રણ બેઠકો ગુમાવી

ભાજપના ષડયંત્રને નિષ્ફળ બનાવવા બદલ પ્રજાનો આભાર: મમતા

બદ્રીનાથ બેઠક પર કોંગ્રેસમાંથી આયાતી ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ભંડારીનો પરાજય : મ. પ્રદેશમાં કમલનાથના ગઢમાં ભાજપ જીત્યો

નવીદિલ્હી : દેશનાં ૭ રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામોએ ભાજપને મોટો આંચકો આપી દીધો છે. ભાજપ ૧૩ બેઠકોમાંથી માત્ર ૨ બેઠકો જીતી શક્યો છે અને આ બંને બેઠકો પણ સાવ નજીવી સરસાઈથી જીતી છે. ભાજપ માટે સૌથી શરમજનક વાત એ છે કે, લોકસભાની ચૂંટણીમાં અયોધ્યા બેઠક હાર્યો હતો એ રીતે ઉત્તરાખંડમાં હિંદુઓ માટે પવિત્ર યાત્રાધામ બદરીનાથની બેઠક પર ભાજપ ખરાબ રીતે હારી ગયો છે. ઉત્તરાખંડમાં ભાજપ સત્તામાં હોવા છતાં બંને બેઠકો હારી ગયો છે.પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચારેય બેઠકોની પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને મળેલી જીતના પગલે મમતા બેનરજીએ રોડ પર ઉભા રહીને લોકોનો આભાર માન્યો હતો. મમતાએ બંગાળની પ્રજાએ સંસ્કાર, સમજ બતાવીને ભાજપના ષડયંત્રને નિષ્ફળ બનાવવા બદલ બંગાળની પ્રજાને અભિનંદન પણ આપ્યાં. 

પશ્ચિમ બંગાળ

ભાજપને સૌથી મોટો આંચકો પશ્ચિમ બંગાળમાં મળ્યો છે. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે માણિકતલા, રાયગંજ, રાણાઘાટ દક્ષિણ અને બગદાહ બેઠકો જીતીને ભાજપને ધૂળચાટતો કરી દીધો છે. આ પૈકી માણિકતલા બેઠક તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સાધન પાંડેનું અવસાન થતાં ખાલી થઈ હતી જ્યારે બાકીની ત્રણ બેઠકો છેલ્લી ચૂંટણીમાં ભાજપે જીતી હતી પણ મમતા બેનરજીએ ત્રણેય બેઠકો ભાજપ પાસેથી આંચકી લીધી છે.

રાયગંજ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર કૃષ્ણા કલ્યાણી ભાજપના માનસ કુમાર ઘોષને ૫૦ હજાર કરતાં વધારે મતે હરાવીને જીતી ગયા છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતા મોહિતસેન ગુપ્તા ડાબેરી-કોંગ્રેસ ગઠબંધન પરથી ઉમેદવાર હતા પણ ખરાબ રીતે હારીને ત્રીજા સ્થાને રહ્યા છે.  

બગદા વિધાનસભા બેઠક પર મમતાની પાર્ટીનાં મધુપર્ણા ઠાકુરે ભાજપેના બિનય કુમાર વિશ્વાસને હરાવ્યા છે જ્યારે રાણાઘાટ દક્ષિણમાં મમતા બેનરજીની પાર્ટીના મુકુટ મણિ અધિકારીએ ભાજપના મનોજ કુમાર વિશ્વાસને હરાવ્યા છે. બંગાળની ચાર બેઠકો પર ભાજપ જોરદાર ટક્કર આપશે એવી વાતો થતી હતી પણ તૃણમૂલના ઉમેદવારો ચારેય બેઠકો ૩૦ હજાર કરતાં વધારે મતે જીત્યા છે. 

ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં ભાજપની હિંદુઓના પવિત્ર યાત્રાધામ અને ચાર ધામ પૈકીના એક બદ્રીનાથ બેઠક પર કારમી હાર થઈ એ લોકસભાની ચૂંટણીમાં અયોધ્યા બેઠક પર થયેલી હાર જેવી જ છે. બદ્રીનાથમાં કોંગ્રેસના લખપતસિંહ બુટોલા ભાજપના રાજેન્દ્રસિંહ ભંડારી સામે ૫ હજારથી વધારે મતે જીતી ગયા  છે. ૨૦૨૨ની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ ભંડારી કોંગ્રેસની ટિકિટ પર જીતેલા પણ ભાજપ તેમને ખેંચી લાવીને પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવી દીધા હતા. બદ્રીનાથના મતદારોએ ભંડારી અને ભાજપ બંનેને પાઠ ભણાવીને ઘરભેગા કરી દીધા છે. 

ભાજપે મંગલૌર બેઠક કોંગ્રેસના કાઝી મોહમ્મદ નિઝામુદ્દીનને હરાવવા માટે બસપા સાથે સંઠગાંઠ કરીને ઉબૈદુર રહમાન ઉર્ફે મોન્ટીભાઈને મેદાનમાં ઉતારેલા કે જેથી મુસ્લિમ મતો વહેંચાઈ જાય. રહેમાન ૨૦ હજારની આસપાસ મતો લઈ ગયા છતાં કોંગ્રેસને હરાવી શક્યા નથી

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશમાં ત્રણ બેઠકોમાંથી બે બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. ભાજપે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુનાં પત્ની કમલેશ ઠાકુરને દેહરા બેઠક પર  હરાવવા પૂરી તાકાત લગાવી દીધી હતી પણ કમલેશ ઠાકુર ૯૩૯૯ મતે જીતી ગયાં છે. નાલાગઢમાં કોંગ્રેસના હરજીપસિંહ બાવા ૯ હજારથી મતે જીતી ગયા છે. ભાજપે હિમાચલ પ્રદેશમાં હમીરપુર બેઠક જીતી છે પણ ભાજપના ઉમેદવાર આશિષ શર્મા માત્ર ૧૫૭૧ મતે જીત્યા છે. 

પંજાબ

પંજાબમાં આમ આદમી પાર્ટીએ જલંધર પશ્ચિમ બેઠક જીતીને ભાજપને કારમી પછડાટ આપી છે. ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શીતલ અંગુરાલને તોડીને લઈ ગયો હતો અને ઉમેદવાર બનાવ્યા હતા પણ ભાજપ છોડીને આવેલા મોહિન્દર ભગત સામે અંગુરાલ ૩૭ હજારથી વધારે મતે હારી ગયા છે. 

તમિલનાડુ

તમિલનાડુમાં સ્ટાલિનની ડીએમકેના ઉમેદવાર અન્નિનુર સિવા ૬૨ હજાર કરતાં વધારે જીત્યા છે. ભાજપના સાથી પીએમકેના અંબુમણિની કારમી હાર થઈ છે. તમિલનાડુમાં ડીએમકેનો ભાજપ કે એઆઈએડીએમકે પાસે કોઈ જવાબ નથી.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશમાં અમરવાડા બેઠકની જીતે ભાજપની આબરૂ બચાવી લીધી છે. પાકી મધ્ય પ્રદેશમાં સત્તામાં હોવા છતાં હારી ગયો હોત તો ભાજપની આબરૂ જતી રહી હોત, જો કે ભાજપના કમલેશ પ્રતાપ શાહ કોંગ્રેસના ધીરેન શાહ સુખરામ દાસ ઈવાન્તી સામે ૩૦૨૭ મતે જ જીત્યા છે.

બિહાર

બિહારમાં પણ ભાજપ-જેડીયુ જોડાણને કારમી પછડાટ મળી છે અને બિહારની રૂપૌલી બેઠક પર અપક્ષ શંકર સિંહ જીત્યા છે. જેડીયુના કલાધર મંડલ સામે શંકર સિંહની ૮૨૪૬ મતે હાર થઈ છે તેના પરથી નીતિશમાં પણ વળતાં પાણી શરૂ થઈ ગયાં છે.


Google NewsGoogle News