Get The App

બંગાળમાં પાલઘર જેવી ઘટના, ટોળાએ સાધુઓને ઢોર માર માર્યો, ભાજપના તૃણમૂલ સરકાર પર પ્રહાર

આ મામલે હજુ સુધી તૃણમૂલ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
બંગાળમાં પાલઘર જેવી ઘટના, ટોળાએ સાધુઓને ઢોર માર માર્યો, ભાજપના તૃણમૂલ સરકાર પર પ્રહાર 1 - image


Bengal Sadhu Mob Lynching : બંગાળમાં પાલઘર જેવી ઘટના સામે આવી છે જેમાં પુરુલિયામાં ટોળાઓ દ્વારા ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો, આ ઘટના બાદ ભાજપે મમતા સરકારને ઘેરી લીધી છે. આ ઘટનામાં પોલીસે બાર લોકોની ધરપકડ કરી છે.

ટોળાએ સાધુઓને નિર્દયતાથી ઢોર માર માર્યો

પશ્ચિમ બંગાળમાં મોબ લિંચિગનો મામલો સામે આવ્યો છે જેમાં લોકોના ટોળાએ ત્રણ સાધુઓને બાળકો ઉપાડનાર સમજીને નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ ભાજપ રાજ્યની તૃણમૂલ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. જો કે આ મામલે હજુ સુધી TMC તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

અનુરાગ ઠાકરેએ મમતા સરકાર પર સવાલો ઉઠાવ્યા

આ મામલે અનુરાગ ઠાકરેએ મમતા સરકાર પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે શા માટે બંગાળમાં આવું વાતાવરણ છે? તુષ્ટિકરણની રાજનીતિના કારણે આવું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે રામ જન્મભૂમિનો શિલાન્યાસ થયો ત્યારે બંગાળમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. સાધુઓની હત્યાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આ તુષ્ટિકરણની રાજનીતિ બંગાળને ક્યા લઈ જઈ રહી છે? આવી આખરે આવી હિન્દુ વિરોધી વિચારસરણી શા માટે છે ?  

અમિત માલવિયાએ મમતા બેનરજીને સવાલો કર્યા

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આ વીડિયોને સોશિયલ મીડિયા એક્સ પર શેર કરતા લખ્યું હતું કે ‘મમતા બેનરજીએ તેમના મૌન પર શરમ આવવી જોઈએ’. તેમણે સવાલો કરતા આગળ લખ્યું કે શું આ સાધુઓનું કોઈ મહત્વ નથી? અમારે આ અત્યાચારનો જવાબ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે 30 સેકેન્ડના વીડિયોમાં લોકોનું ટોળું સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારતા જોવા મળી રહ્યું છે. આ ઘટનાને અમિત માલવિયાએ મહારાષ્ટ્રના પાલઘરમાં 2020માં બનેલી ઘટના સાથે સરખામણી કરી હતી. 

આ ઘટના અંગે પોલીસનું નિવેદન સામે આવ્યું

આ ઘટના અંગે પુરુલિયા જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના અંગે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે જ્યારે સત્ય એ છે કે બે દિવસ પહેલા એટલે કે 11મી જાન્યુઆરીએ બપોરના સમયે ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ત્રણ સાધુઓ અને ત્રણ સ્થાનિક સગીર વયની છોકરીઓ વચ્ચે ભાષાની સમસ્યાને કારણે ગેરસમજ ઉભી થતાં છોકરીઓએ બૂમો પાડીને ભાગવાનું શરુ કર્યું હતું, આ પછી ત્યાં ભીડ ભેગી થઈ ગઈ હતી અને ટોળાએ સાધુઓ સાથે મારપીટ કરી હતી. આ કેસમાં પોલીસે બાર લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય સાધુઓ ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળના પ્રસિદ્ધ ગંગાસાગર મેળામાં જઈ રહ્યા હતા.

બંગાળમાં પાલઘર જેવી ઘટના, ટોળાએ સાધુઓને ઢોર માર માર્યો, ભાજપના તૃણમૂલ સરકાર પર પ્રહાર 2 - image


Google NewsGoogle News