મુસ્લિમો અંગે વિવાદીત નિવેદન કરનાર આસામના CMની મુશ્કેલી વધી, 18 વિપક્ષોએ નોંધાવી પોલીસ ફરિયાદ
Assam Politics News: આસામના 18 વિરોધ પક્ષોએ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ તેમના વિવાદાસ્પદ નિવેદનો અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીએમ હિમંતાએ મુસ્લિમો વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા કોંગ્રેસના નેતૃત્વમાં 18 વિપક્ષી દળોના સંયુક્ત મંચે આરોપ લગાવ્યો છે કે સરમાએ તેમના નિવેદનો દ્વારા સમુદાયો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપ્યું છે.
શું બોલ્યા હતા હિમંતા સરમા?
વિધાનસભામાં એઆઇયુડીએફના ધારાસભ્ય દ્વારા દક્ષીણ આસામના લોકોના અધિકારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'દક્ષીણ આસામના લોકો ઉત્તર આસામના જિલ્લાઓમાં રહી શકે છે આ તેમનો અધિકાર છે.' જેના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 'દક્ષિણ આસામના લોકો ઉત્તર આસામમાં કેમ જશે? જેનાથી મિયાં મુસ્લિમ આસામ પર કબજો કરી શકે? અમે આવું નહીં થવા દઇએ.'
આ પણ વાંચોઃ ‘તમે ધમકી આપવાની હિંમત કેવી રીતે કરી?’ મમતા બેનરજી પર ભડક્યા આસામના CM
અમે રાષ્ટ્રપતિને પણ પત્ર લખીશુંઃ આસામ કોંગ્રેસ પ્રમુખ
આસામ કોંગ્રેસના પ્રમુખ ભૂપેન બોરાએ જણાવ્યું હતું કે, 'આસામમાં 18 વિપક્ષી દળો છે જેમણે સંયુક્ત રીતે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદથી આસામના મુખ્યમંત્રી સાંપ્રદાયિક રમખાણો કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વિધાનસભાની અંદર પણ સંવેદનશીલ નિવેદનો આપી રહ્યા છે. અમે આ અંગે રાષ્ટ્રપતિને પણ પત્ર લખીશું.'
બાળકી પર ગેંગરેપના મુદ્દે હોબાળો
વિધાનસભામાં નાગાંવની 14 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર અને હત્યા મુદ્દે ભારે હોબાળો થયો હતો. વિપક્ષે જ્યારે રાજ્યના કાયદા અને વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે મુખ્યમંત્રીએ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન દક્ષીણ આસામમાં બંગાળી ભાષા બોલનારા મુસલમાનોને કથિત રીતે નિશાન બનાવવા અંગે વિપક્ષે તેમના પર ભેદભાવ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
કોની કોની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવશોઃ સીએમ
વિવાદ વકરતાં સીએમ સરમાએ કહ્યું કે, 'મેં ફક્ત એ જ વાક્યનું પુનરાવર્તન કર્યું છે જે આસામના પહેલા મુખ્યમંત્રી સ્વર્ગીય લોકપ્રીય ગોપીનાથ બોરદોલોઇએ વિધાનસભામાં કહ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી બિષ્ણુરામ મેધી અને પૂર્વ ગવર્નર એસકે સિન્હાએ પણ કહ્યું હતું. મેં ન તો આ વાક્યમાં કંઇ ઉમેર્યું છે ન તો કંઇ બદલ્યું છે. જો તેઓ ફરિયાદ નોંધાવવા માંગે છે તો તેમણે દરેકની વિરૂદ્ધ નોંધાવવી પડશે. મને તેમના પર દયા આવે છે.'