ભાજપ શાસિત રાજ્યમાં બ્રિટિશ કાળથી અમલી 'મુસ્લિમ મેરેજ એક્ટ' રદ, UCCની દિશામાં મોટું પગલું
મુસ્લિમોના લગ્ન અને છૂટાછેડાની નોંધણી સંબંધિત 89 વર્ષ જૂના કાયદાને રદ્દ કરવાનો નિર્ણય લીધો
image : IANS |
Assam Government Action Against thr Muslim Marrrage Act | ઉત્તરાખંડ બાદ વધુ એક ભાજપ શાસિત રાજ્ય આસામ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાની હેઠળની કેબિનેટે રાજ્યમાં રહેતા મુસ્લિમોના લગ્ન અને છૂટાછેડાની નોંધણી સંબંધિત 89 વર્ષ જૂના કાયદાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.
પર્યટન મંત્રી શું બોલ્યાં?
આ નિર્ણય વિશે માહિતી આપતા પર્યટન મંત્રી જયંત મલ્લા બરુઆએ કહ્યું, “આપણા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પહેલેથી જ જાહેરાત કરી હતી કે આસામમાં સમાન નાગરિક સંહિતા(UCC) લાગુ કરાશે. આજે અમે આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ, 1935ને રદ્દ કરવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.”
મુસ્લિમોના મેરેજ સંબંધિત કાયદામાં શું હતું?
તમને જણાવી દઈએ કે આ કાયદામાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા માટે સ્વૈચ્છિક નોંધણીની જોગવાઈ કરવામાં આવી હતી. સરકારના નવા નિર્ણયનો અર્થ એ છે કે આસામમાં હવે આ કાયદા હેઠળ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી શક્ય બનશે નહીં. બરુઆએ કહ્યું, અમારી પાસે પહેલેથી જ એક વિશેષ મેરેજ એક્ટ છે અને અમે ઈચ્છીએ છીએ કે તમામ લગ્નો સમાન જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવે. તેમણે કહ્યું કે હાલમાં આસામમાં 94 અધિકૃત વ્યક્તિઓ છે જે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી કરાવી શકે છે. પરંતુ કેબિનેટના નિર્ણય સાથે જિલ્લા સત્તાધીશો દ્વારા તેના માટે સૂચનાઓ જારી કરાયા બાદ તેમની સત્તા સમાપ્ત થઈ જશે. બરુઆએ જણાવ્યું હતું કે, "આ લોકો લગ્ન અને છૂટાછેડાની નોંધણી કરીને આજીવિકા કમાતા હોવાથી રાજ્ય કેબિનેટે તેમને દરેકને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય કર્યો છે."
બ્રિટિશ કાળથી ચાલતો હતો કાયદો
તેમણે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ તરફ એક પગલું આગળ વધારવા ઉપરાંત કેબિનેટને લાગ્યું કે આ એક્ટને રદ્દ કરવો જરૂરી છે. આ ખૂબ જ જૂનો કાયદો હતો અને બ્રિટિશ કાળથી અમલમાં હતો. આજના સામાજિક ધોરણો સાથે તે મેળ ખાતો નહોતો. તેમણે કહ્યું, “અમે જોયું કે હાલના કાયદાનો ઉપયોગ સગીર છોકરાઓ અને છોકરીઓના લગ્નની નોંધણી માટે કરવામાં આવી રહ્યો હોત. "અમને લાગે છે કે આજનું પગલું આવા બાળ લગ્નોને રોકવામાં ભૂમિકા ભજવશે."