ટ્યુશન ક્લાસથી પરત ફરતી સગીરા પર ત્રણ રાક્ષસોનું દુષ્કર્મ, લોકો ભડક્યા, CMએ કહ્યું ‘વિશેષ સમુદાય સક્રિય, નહીં છોડીએ’
Minor Girl Rape In Assam : પશ્ચિમ બંગાળના કોલકાત્તામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ-હત્યા બાદ હવે આસામમાં પણ દુષ્કર્મની ઘટના બની છે. અહીં ટ્યુશન ક્લાસથી પરત ફરી રહેલી સગીરા પર ત્રણ નરાધમોએ કથિત દુષ્કર્મ આચર્યું છે. આ ઘૃણાસ્પદ ઘટના બાદ લોકોએ રોષે ભરાઈ દેખાવો શરુ કરી દીધા છે. દેખાવકારોએ અનિશ્ચિતકાળ સુધી બંધનું આહ્વાહન કર્યું છે, જેના કારણે આ વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. બીજી તરફ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ રોષે ભરાઈ પોલીસને આવા રાક્ષસો સામે ત્વરીત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
ભડકેલા લોકોની અનિશ્ચિતકાળ સુધી બંધની જાહેરાત
આ ઘટના અંગે પોલીસે કહ્યું કે, આસામના નાગાંવ જિલ્લામાં ગુરુવારે સાંજે ટ્યુશન ક્લાસથી પરત ફરી રહેલી 14 વર્ષની સગીરા પર કથિત ગેંગરેપ થયો છે. આ ઘટના બાદ લોકો ગુસ્સે ભરાયા છે અને દેખાવો અને સૂત્રોચ્ચાર શરુ કરી દીધા છે. સ્થાનિક સંગઠન અને લોકોએ કહ્યું કે, જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ વિસ્તાર અનિશ્ચિતકાળ સુધી બંધ રહેશે.
14 વર્ષની સગીરા પર ત્રણ નરાધમોએ કર્યું દુષ્કર્મ
પોલીસે કહ્યું કે, સ્થાનિક રહેવાસીઓને ગુરુવારે સાંજે સાત વાગ્યે રોડના કિનારા પરથી સગીરા બેહોશ હાલતમાં મળી આવી હતી, ત્યારબાદ પોલીસ સગીરાને મેડિકલ તપાસ માટે નાગાંવ હૉસ્પિટલ લઈ ગઈ હતી. નાગાંવના એસપી સ્વપ્નિલ ડેકાએ કહ્યું કે, મહિલા અધિકારીએ સગીરાનું નિવેદન લીધું છે, તેમાં તેણીએ ત્રણ લોકોએ દુષ્કર્મ કર્યું હોવાનો ખુલાસો કર્યો છે. પોલીસે ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્ર કરી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ‘દીકરીઓની સુરક્ષા સાથે ખિલવાડ કર્યો તો...’, યોગી આદિત્યનાથની કડક શબ્દોમાં ચેતવણી
આસામના મુખ્યમંત્રીએ કડક કાર્યવાહી કરવાના આપ્યા આદેશ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ઘટના અંગે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તેમણે આ ઘટનાને માનવતા વિરુદ્ધ અપરાધ હોવાનું કહી ડીજીપીને ઘટનાસ્થળે જવાનો આદેશ આપ્યો છે. તેમણે એક્સ પર ટ્વિટ કરીને લખ્યું છે કે, ધીંગમાં એક સગીરા સાથે બનેલી ભયાનક ઘટના માનવતા વિરુદ્ધ અપરાધ છે. અમે કોઈને પણ નહીં છોડીએ અને ગુનેગારોને જેલમાં ધકેલીને રહીશું. મેં ડીજીપીને ઘટનાસ્થળે મોકલી આવા રાક્ષસો વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
‘વિશેષ સમુદાય સક્રિય થયો’
મુખ્યમંત્રીએ એમ પણ લખ્યું છે કે, જે ગુનેગારોએ ધીંગની હિન્દુ સગીરા સાથે જધન્ય ગુનો આચર્યો છે, તેને કાયદો નહીં છોડે. લોકસભા ચૂંટણી બાદ એક વિશેષ સમુદાય સક્રિય થઈ રહ્યો છે. હિન્દુઓને ભાષાઓના આધારે ભાગ પાડવાના પ્રયાસ થતો હોવાથી તમામે સતર્ક રહેવું જોઈએ.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસ અને NCમાં ગઠબંધન, ભાજપને ફાયદો કે નુકસાન?