હવે આસામમાં ઇન્સેફેલાઇટિસનો કહેર, બે મહિનામાં 424 કેસ અને 32 દર્દીના મોત
Assam Japanese encephalitis : આસામમાં જાપાનીઝ ઇન્સેફેલાઇટિસે(Japanese Encephalitis) કહેર મચાવ્યો છે. અહીં જૂન અને જુલાઈ મહિનામાં 424 કેસ નોંધાયા છે, જેમાંથી 32 દર્દીઓના મોત થયા છે. આ ઉપરાંત મેલેરિયાના 353 અને ડેન્ગ્યુના 294 કેસ નોંધાયા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે જૂન અને જુલાઈમાં રાજ્યમાં 424 જાપાનીઝ ઇન્સેફેલાઇટિસના દર્દીઓ મળી આવ્યા છે. જેમાથી જૂનમાં 48 દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે જુલાઈમાં 376 લોકોમાં તેની પુષ્ટિ થઈ હતી. જૂન મહિનામાં ઇન્સેફેલાઇટિસના કારણે એક દર્દીનું મૃત્યુ થયું હતું, જ્યારે જુલાઈમાં 28 દર્દીઓના મોત થયા હતા.
ડેન્ગ્યુ -મેલેરિયાના દર્દીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા
આજ પ્રકારે આસામમાં પણ મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. જૂનમાં 166 દર્દીઓને મેલેરિયા થયો હતો. જ્યારે જુલાઈમાં 187 દર્દીઓને મેલેરિયા થયો હતો. આંકડા પ્રમાણે જૂન મહિનામાં મેલેરિયાથી ત્રણ લોકોના મોત થયા હતા.
જુલાઈમાં 214 લોકોને ડેન્ગ્યુ થયો હતો
આ અંગે મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ડેન્ગ્યુના કેસ પણ વધી રહ્યા છે. જૂનમાં 80 લોકોને ડેન્ગ્યુની પુષ્ટિ થઈ હતી, જ્યારે જુલાઈમાં 214 લોકોને ડેન્ગ્યુ થયો હતો. જો કે, તેમાં રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ડેન્ગ્યુના કારણે કોઈનું મોત થયું નથી.
આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા વિવિધ પગલાં લેવાયા
સત્તાવાર રૅકોર્ડ પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરના કરડવાથી થતી બીમારીનો ફેલાવો અટકાવવા માટે ઘણાં પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. ડેન્ગ્યુના લાર્વા ખત્મ કરવા માટે છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને તે ઉપરાંત વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે.