હવે કાજી નહીં, સરકાર કરશે મુસ્લિમ મેરેજ અને તલાકનું રજિસ્ટ્રેશન, આ રાજ્યમાં બિલ રજૂ

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
Nikah


Assam Muslim Marriage Registration: આસામમાં હવે મુસ્લિમ લગ્નની નોંધણી કાજી દ્વારા નહીં પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આજે (22 ઓગસ્ટ) આ સંદર્ભે ​​વિધાનસભામાં બિલ રજૂ કર્યું છે, જેનો હેતુ બાળ લગ્ન પર પ્રતિબંધ મુકવાનો છે. આ માટે આસામ સરકાર ‘આસામ મુસ્લિમ લગ્ન ફરજિયાત નોંધણી અને છૂટાછેડા બિલ, 2024’ લાવી છે. જો આ બિલ પસાર થઈ જશે તો મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત સરકારી નોંધણી કરાવવી પડશે. જો કે, લગ્ન સમારોહ દરમિયાન મુસ્લિમ ધાર્મિક વિધિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

વિપક્ષનો ભારે વિરોધ

ભાજપની સરમા સરકારના આ નિર્ણયનો કોંગ્રેસ સહિત વિપક્ષોએ ભારે વિરોધ કર્યો છે. બદરુદ્દીન અજમલની પાર્ટી AIUDFના નેતા મુજીબુર રહેમાને આરોપ લગાવ્યો કે, 'સરકાર મુસ્લિમ છૂટાછેડા અને લગ્ન અધિનિયમ 1935ને નાબૂદ કરવા માંગે છે. અમારી પાર્ટી આ બિલમાં સુધારાને સમર્થન આપશે પરંતુ જો તેઓ તેને ખતમ કરવા માંગે છે તો અમે તેનો વિરોધ કરીશું.'

બીજી તરફ કોંગ્રેસના નેતા વાજેદ અલી ચૌધરીએ આ નવા બિલ અંગે કહ્યું કે, 'મુસ્લિમ પર્સનલ સ્પેશિયલ મેરેજ એક્ટમાં સુધારો મુસ્લિમોની શરિયત વિરુદ્ધ હશે.'

આ પણ વાંચોઃ કોલકાતા દુષ્કર્મ કેસ: CM મમતા બેનરજીએ PM મોદીને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ

જૂના કાયદાને નાબૂદ કરવા માંગે છે સરકાર

નોંધનીય છે કે, આસામ સરકારે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935ને નાબૂદ કરવા માટે વિધાનસભામાં નવું બિલ રજૂ કર્યું છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા બિલમાં સગીરોને લગ્ન કરવાનો અધિકાર આપવાનો અવકાશ છે. 

આસામના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી જગન મોહને આ બિલના હેતુઓ અને કારણોની વિગત આપતા કહ્યું કે, '21 વર્ષ (પુરુષના કિસ્સામાં) અને 18 વર્ષ  (સ્ત્રીના કિસ્સામાં) થી ઓછી ઉંમરના ઇચ્છિત વ્યક્તિના લગ્નની નોંધણી કરવાનો અવકાશ રહે છે.'

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-NC વચ્ચે ગઠબંધન, PDP પણ જોડાવાની ચર્ચા

ભાજપને ગૃહમાં સ્પષ્ટ બહુમતી 

તમને જણાવી દઈએ કે, આસામમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે. આવી સ્થિતિમાં તેને આ કાયદો પસાર કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આ કાયદાને મુસ્લિમ મહિલાઓની સ્થિતિ સુધારવા માટે માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે.


Google NewsGoogle News