મુઘલોને ધૂળ ચટાડનારા લચિત બોરફૂકન કોણ હતા?, જેમની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું વડાપ્રધાન મોદીએ કર્યું અનાવરણ
નોર્થ ઈસ્ટમાં શિવાજી તરીકે ઓળખાતા લચિત બોરફૂકને ઘણી વખત મુઘલને હરાવ્યા હતા
મુઘલ સેનાએ 1000 તોપો, અસંખ્ય હથિયારોનો ઉપયોગ કર્યો, છતાં લચિતે તેમને હરાવ્યા
Lachit Borphukan History : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શનિવારે આસામના જોરહાટમાં અહોમ સેનાપતિ લચિત બોરફૂકનની 125 ફુટ ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ વેલર’ (બહાદુરીની પ્રતિમા)નું ઉદઘાટન કર્યું હતું. નોર્થ ઈસ્ટમાં શિવાજી તરીકે ઓળખાતા લચિત બોરફૂકને યુદ્ધ કરી ઘણી વખત મુઘલને હરાવ્યા હતા. તેમણે મુઘલ પાસેથી ગુવાહાટી છોડાવ્યું હતું. ત્યારબાદ ગુવાહાટીને પાછુ મેળવવા મુઘલએ અહોમ સામ્રાજ્ય વિરુદ્ધ સરાઈઘાટમાં યુદ્ધ લડ્યું હતું. મુઘલ સેનાએ અહોમ વિરુદ્ધ 1000થી વધુ તોપો અને તે સમયના ઘણા હથિયારોનો ઉપયોગ કર્યો હતો, તેમ છતાં લચિતે તેમને હરાવી દીધા હતા.
લાંબા સંઘર્ષ બાદ બિમારીથી નિધન થયું હતું
લચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યના સેનાપતિ હતા. તેમણે 1671માં સરાઈઘાટ પર થયેલા યુદ્ધ દરમિયાન અસમિયા સેનાનું નેતૃત્વ કર્યું હતું. તેમણે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યા બાદ મુઘલને હરાવી દીધા હતા, જોકે જીતના એક વર્ષ બાદ તેમનું બિમારીથી નિધન થયું હતું. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)માં લચિત બોરફૂકનના નામે બેસ્ટ કેડેટ ગોલ્ડ મેડલ પણ અનાયત કરવામાં આવે છે. આ સન્માનને લચિત મેડલ પણ કહેવામાં આવે છે.
તેઓને પદવી પણ એનાયત કરાઈ હતી
સચિત સેંગ કાલુક મો-સાઈ (અહોમ પુજારી) ના ચોથા પુત્ર હતા. સેંગ-લૉન્ગ મોંગ ચરાઈડોમાં તાઈ અહોમના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમનો ધર્મ ફુરેલુંગ અહોમ હતો. તેમનું નામ લચિત હતું અને તેમને બોરફૂકનની પદવી એનાયત કરાઈ હતી, જેનો અર્થ સેનાધ્યાક્ષ થાય છે. 1965માં લચિતને અહોમ સેનાધ્યક્ષ પણ બનાવાયા અને આ હોદ્દેદારને સ્થાનિક ભાષામાં બોરફૂકન કહેવાતા. તેથી તેઓ લચિત બોરફૂકન નામથી પ્રખ્યાત થયા હતા.
લચિત સોનાના હાથાની તલવારથી લડ્યા
લચિતને રાજદ્વારી અથવા રાજનેતા માટે સન્માનજનક કહેવાતું અહોમ સ્વર્ગદેવના ધ્વજ વાહકનું પદ અપાયું હતું. રાજા ચક્રધ્વજે લચિતને મુઘલ વિરુદ્ધની સેનાના લીડર બનાવ્યા હતા. રાજાએ લચિતને સોનાના હાથાવાળી તલવાર ભેટ આપી હતી.
તેમની કોઈ તસવીર નથી, વર્ણન પરથી મૂર્તિ બનાવાઈ
લચિતની કોઈપણ તસવીર ઉપલબ્ધ નથી, પરંતુ વર્ણન મુજબ તેમની તસવીરો સામે આવી છે અને તે મુજબ તેમની પ્રતિમા બનાવાઈ છે. એવું કહેવાય છે કે, તેમનું મોં પહોળું હતું. તેમના તેજ ચહેરાના કારણે કોઈપણ તેમની સામે આંખ ઉઠાવતા પહેલા ડરતું હતું.
મહાન યોદ્ધા ઈતિહાસ ભુલાવી દેવાયો
ભારતના મહાન યોદ્ધા લચિત બોરફૂકનનો બે-ચાર પુસ્તકો સિવાય ખાસ ઉલ્લેખ જોવા મળતો નથી. માત્ર રાષ્ટ્રીય ડિફેન્સ એકેડેમીએ લચિતની પ્રતિમા સ્થાપિત કરી, તેમના નામ પર મેડલ શરૂ કર્યો. તેમની યાદમાં દર વર્ષે નવેમ્બર મહિનામાં આસામ લચિત દિવસ પણ ઉજવાય છે. હવે ભાજપ (BJP) સરકારે તેમની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરી આવનારી પેઢીને ઈતિહાસ યાદ અપાવવાનો પ્રયાસ કર્યો છે.