Get The App

ચીનના કારણે આસામમાં જળપ્રલય: પૂરના કારણે લાખો લોકો પરેશાન, 29 જિલ્લા પાણીમાં ડૂબ્યાં

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
ચીનના કારણે આસામમાં જળપ્રલય: પૂરના કારણે લાખો લોકો પરેશાન, 29 જિલ્લા પાણીમાં ડૂબ્યાં 1 - image



Assam Flood: આસામમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. આ પૂરથી લગભગ આસામના 33માંથી 28 જિલ્લાના અઢી હજાર જેટલા ગામમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે તેમજ 11.34 લાખ લોકો પ્રભાવિત થયા છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વોતરનો આ રાજ્ય બ્રહ્મપુત્ર નદીનો પ્રકોપ સહન કરી રહ્યો છે. રાજ્યના CM હિમંતા બિસ્વા સરમાએ આરોપ મુક્યો હતો કે, ચીનના લીધે રાજ્ય આ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. આ વર્ષે પૂરથી અત્યારસુધી 48 જેટલા લોકોના મોત થયા છે. લોકોને પૂરથી બચાવવા NDRF, SDRFની વિવિધ ટીમો કાર્યરત કરાઇ છે. અત્યાર સુધી 3057 લોકો અને 419 જાનવરોના જીવ બચાવવામાં આવ્યા છે. સતત ભારે વરસાદથી માત્ર આસામ જ નહી પરંતુ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને મિઝોરમ પણ હાઇ એલર્ટ પર છે.


આસામના CMએ પૂર અંગે શું નિવેદન આપ્યું?

પૂરની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ અંગે નિવેદન આપ્યું છે કે, રાજ્યના ભૌગોલિક પરિસ્થિતિના કારણે પૂરની સ્થિતિ એ રાજ્યના કાબુની બહાર છે. પૂરની વિનાશક બીજી લહેરનું મુખ્ય કારણ અરૂણાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને લીધે થયેલા ભારે વરસાદ તેમજ ચીન અને ભૂતાનમાં થયેલા ભારે વરસાદથી બ્રહ્માપુત્ર નદીમાં પાણીની વધેલી આવક છે.


શું છે આસામની ભૌગોલિક સ્થિતિ?

અગાઉ, આસામમાં 4-5 વર્ષમાં એકવાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હતી, પરંતુ હવે વર્ષમાં 3થી 4 વાર અહીં પૂર આવે છે. શું કારણ છે કે, આસામમાં આટલો પૂર આવે છે? આ સમજવા માટે આસામની ભૌગોલિક સ્થિતિ સમજવી આવશ્યક છે. હકિકતમાં, આસામની ભૌગોલિક પરિસ્થિતિ કટોરા જેવી છે, જેમાં પણી જમા થાય છે. આસામ એવું રાજ્ય છે જે બે નદીઓ વચ્ચેના ખીણપ્રદેશમાં વસેલું છે. અહીંનો કુલ ક્ષેત્રફળ 78,438 કિમી વર્ગ છે. જેમાંથી 56,194 કિમી વર્ગ વિસ્તાર બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસેલું છે અને બાકીનો બચેલો ભાગ બરાક નદીના ખીણ વિસ્તારમાં વસેલો છે. દર વર્ષે આસામના કુલ ક્ષેત્રફળનો લગભગ 40 ટકા જેટલો ભાગ પૂરમાં ડૂબી જાય છે.


બ્રહ્મપુત્ર નદી સતત ફેલાઇ રહી છે

આસામ માટે કાળ બનતી બ્રહ્મપુત્ર નદી સતત ફેલાઇ રહી છે. આસામ સરકાર મુજબ, 1912થી 1928 સુધી બ્રહ્મપુત્ર નદીનો ક્ષેત્રફળ 3870 કિમી વર્ગ હતો. જે 1963થી 1975 વચ્ચે વધીને 4850 કિમી વર્ગ થઇ ગયો હતો. 2006માં તેનું ક્ષેત્રફળ વધીને 6080 કિમી વર્ગ થઇ ગયું હતું. તેની સરેસાશ પહોળાઇ 6 કિમી છે. આસામના ઘણા વિસ્તારોમાં આ નદી 15 કિમી સુધી પહોળી છે.


લખીમપુર જિલ્લામાં સૌથી ખરાબ પરિસ્થિતિ

ઉલ્લેખનિય છે કે, પૂરના લીધે સૌથી ખરાબ પરિસ્થિતિ લખીમપુર જિલ્લાની છે. અહીં પૂરથી 1.65 લાખથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે. ડરાંગમાં 1.47 લાખ લોકો અને ગોલાઘાટમાં 1.07 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પીડિતોની સહાય માટે અત્યારસુધી 490 રિલીફ કેમ્પ બનાવવામાં આવ્યા છે. જેમાં આશરે 2.86 લાખ લોકોએ આશ્રય લીધો છે. 


શું છે આસામમાં વારંવાર પૂર આવવાનું કારણ?

1. સામાન્યથી વધુ વરસાદઃ બ્રહ્મપુત્ર બોર્ડ મુજબ, અહીં દર વર્ષે સામાન્ય વરસાદ કરતા વધુ વરસાદ હોય છે ઉપરાંત ક્યારેક ક્યારે અતિશય વરસાદ પણ થાય છે.

2. રહેવા માટે ઓછી જગ્યાઃ બ્રહ્મપુત્ર નદી જે ખીણમાંથી પસાર થાય છે, તે બહુ જ સાંકળી છે. બ્રહ્મપુત્ર નદી ઘણા કિમી સુધી ફેલાયેલી છે અને તેની બંને બાજુ જંગલો છે. નિચાણવાળા વિસ્તારોમાં ખેતીકાર્ય થાય છે. આ પરિસ્થિતિમાં અહીં રહેવા માટે જગ્યા ઓછી છે. જ્યારે નદી ઉચાણવાળા વિસ્તારમાંથી વહીને નીચાણવાળા વિસ્તારોમાં આવે છે ત્યારે પૂર આવી જાય છે.



Google NewsGoogle News