‘તમે ધમકી આપવાની હિંમત કેવી રીતે કરી?’ મમતા બેનરજી પર ભડક્યા આસામના CM

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
Mamata Banerjee with HImanta Biswa Sarma



Assam CM strike on Mamata Banrjee: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કોલકાતા બળાત્કાર અને હત્યા કેસમાં ચારે તરફથી ઘેરાયલા છે. આ સાથે જ મમતા બેનરજીએ આસામને લઈને એવું નિવેદન આપ્યું છે કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા તેમના પર ભડકી ઉઠ્યા છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ બુધવારે (28 ઓગસ્ટ) પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીના 'જો બંગાળ બળશે તો આસામ અને દિલ્હી પણ સળગી જશે.' નિવેદનની ટીકા કરી હતી અને સવાલ કર્યો હતો કે, તમે આસામને ધમકી આપવાની હિંમત કેવી રીતે કરી?

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પ્રહાર કર્યો

આસામના મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, 'દીદી (મમતા બેનરજી), આસામને ધમકી આપવાની તમારી હિંમત કઇ રીતે થઇ? અમને તમારી લાલ આંખો ન બતાવો. તમારા અસફળતાના રાજકારણથી ભારતમાં આગ લગાવવાના પ્રયાસો ના કરો. વિભાજનકારી ભાષા તમને શોભા નથી દેતી.'

આ પણ વાંચોઃ બંગાળ હિંસા મુદ્દે CM મમતાની PM મોદીને ખુલ્લી ધમકી, કહ્યું- ‘...તો મણિપુરમાં જ આવું થશે’

લોકોને ભડકાવવાનો પ્રયાસઃ હિમંતા

હિમંતા બિસ્વા સરમાએ કોલકાતામાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનને બાંગ્લાદેશની અશાંતિ સાથે જોડતા મમતા બેનરજીના નિવેદનને લોકોમાં વિભાજન ભડકાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'તૃણમુલ પ્રમુખ' પોતાની અસફળતાની રાજનીતિથી ભારતમાં આગ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

આ પણ જુઓઃ VIDEO: યુપીમાં વરુના હુમલામાં નવ મોત બાદ યોગી સરકાર એક્શનમાં, 200 કર્મચારીનું ‘ઓપરેશન ભેડિયા’

મમતા બેનરજીએ ભાજપની ટીકા કરી હતી

પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ વચ્ચે મમતા બેનરજીએ ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન મોદી પર નિશાનો તાકીને બંગાળમાં હિંસાનો આરોપ ભાજપ પર ઢોળ્યો હતો. મમતાએ મોદી પર આરોપ લગાવતા કહ્યું કે, 'મોદી બાબુ, શું તમે બંગાળમાં આગ ભડકાવવાની કોશિશ કરી રહ્યાં છો. જો બંગાળમાં આગ લાગશે તો આસામ અને નોર્થ ઈસ્ટમાં પણ આગ લાગશે, તમારી ખુરશી હલી જશે.'


Google NewsGoogle News