જોધપુર: અશોક ગેહલોત 'મોંઘવારીમાં રાહત' નું નાટક કરી રહ્યા છે - આસામ CM હિમંત બિસ્વા
- સનાતન પર ટિપ્પણી કરનારા હિન્દુ ધર્મ ખતમ કરવાની વાત કરી રહ્યા છે: CM હિમંત બિસ્વા
જોધપુર, તા. 20 સપ્ટેમ્બર 2023, બુધવાર
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે બીજેપી નેતાઓના રાજ્ય પ્રવાસ સતત ચાલુ છે. ત્યારે આજે આસામના મુખ્યમંત્રી અને બીજેપી નેતા હિમંત બિસ્વ સરમા જોધપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, અશોક ગેહલોત 'મોંઘવારીમાં રાહત' નું નાટક કરી રહ્યા છે. રાજસ્થાનમાં સૌથી વધુ દીકરીઓ પર અત્યાચાર થાય છે. આ ઉપરાંત તેમણે સનાતન ધર્મ વાળા મુદ્દે INDIA ગઠબંધનને આડે હાથ લીધુ હતું. આ સાથે જ તેમણે મહિલા અનામત બિલ પર પણ નિવેદન આપ્યુ હતું.
કોંગ્રેસને કર્યો સવાલ
હિમંત બિસ્વ સરમાએ કહ્યું કે, રાજસ્થાનમાંથી ગેહલોત સરકાર જવી જોઈએ અને બીજેપી સરકાર આવી જોઈએ. બીજેપીને ગાંધી પરિવાર જેવી પાર્ટી નથી ચલાવતી. બીજેપીમાં દરેક કાર્યકર્તા CM છે. બીજી તરફ INDIA ગઠબંધનને લઈને બિસ્વાએ કહ્યું કે, INDIA ગઠબંધનના લોકો વારંવાર સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. કોંગ્રેસ આ સમગ્ર મામલે મૌન કેમ છે?
મહિલા અનામત બિલ પર આપ્યુ નિવેદન
આસામના મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, ગાંધી પરિવારે દેશમાં સનાતન વિરોધી માહોલ બનાવ્યો છે. સનાતન પર ટિપ્પણી કરનારા હિન્દુ ધર્મ ખતમ કરવાની વાત કરી રહ્યા છે. આ સાથે જ મહિલા આરક્ષણ બિલ પર બિસ્વાએ કહ્યું કે, એનડીએનો કોઈ પણ ઘટક બિલનો વિરોધ નથી કરી રહ્યો. યુપીએના ઘટકોએ જ આ બિલનો વિરોધ કર્યો હતો.
MPમાં 150 સીટો મળશે
આ ઉપરાંત તેમણે મધ્ય પ્રદેશ ચૂંટણી અંગે પણ મોટો દાવો કર્યો છે. બિસ્વાએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં બીજેપી ભારે બહુમતી સાથે સરકાર બનાવશે. તેમણે એમપીમાં બીજેપીના ખાતામાં 150 સીટ આવવાનો દાવો કર્યો છે.