'વડાપ્રધાન મોદી પાર્ટી કાર્યકર્તાઓ સાથે ભોજન કરે છે જ્યારે સોનિયા-રાહુલ તો...', આસામના CMના કોંગ્રસ પર પ્રહાર
- દેશની સૌથી જૂની પાર્ટીનો એજન્ડા ગાંધી પરિવારના ડાયનિંગ ટેબલ પર સેટ થાય છે: સીએમ હિમંતા બિસ્વા સરમા
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 01 માર્ચ 2024, શુક્રવાર
Himanata Biswa Sarma Attack On Congress : આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની પ્રશંસા કરી અને કોંગ્રેસ પાર્ટીની આકરી ટીકા કરી હતી. બારપેટા જિલ્લાના ચકચકા ખાતે પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટનના અવસર પર કોંગ્રેસમાંથી ભાજપના નેતા બનેલા હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો હતો કે દેશની સૌથી જૂની પાર્ટીનો એજન્ડા ગાંધી પરિવારના ડાયનિંગ ટેબલ પર સેટ થાય છે.
તેમણે કહ્યું કે, ભાજપ એક લોકતાંત્રિક પાર્ટી છે જેને તેના કાર્યકરો દ્વારા બનાવવામાં આવી છે પરંતુ જો તમે કોંગ્રેસ અથવા અન્ય પક્ષોની વાત કરો તો તે કાર્યકર્તાઓએ બનાવી નથી. તે ફક્ત તેમના નેતાઓ અને પરિવારની આસપાસ કેન્દ્રિત છે. તેના નિર્ણયો પરિવારના ડાઈનિંગ ટેબલ પર લેવામાં આવે છે અને કાર્યકર્તાઓએ માત્ર તેને ફોલો કરવાનું હોય છે. પરિવારની જરૂરિયાતો પ્રમાણે પાર્ટીની વિચારધારા અને એજન્ડા બદલી નાખવામાં આવે છે.
હિમંતા બિસ્વા સરમાએ કિસ્સો સંભળાવીને પોતાનો અનુભવ શેર કર્યો
પોતાના અંગત અનુભવોને યાદ કરતાં સીએમ સરમાએ ઓડિશામાં ભાજપની કારોબારી બેઠકનો કિસ્સો સંભળાવતા કહ્યું કે, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને ધર્મેન્દ્ર પ્રધાન જેવા ભાજપના ટોચના નેતાઓ સાથે ખૂબ જ સરળતાથી મુલાકાત કરી શક્યો. પીએમ મોદીએ આ બેઠકમાં બધાની સાથે બેસીને ભોજન કર્યું હતું. અમને કહેવામાં આવ્યું હતું કે ભાજપમાં આ જ રીતે કામ કરવામાં આવે છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જ્યારે સોનિયા ગાંધીની સાથે એક ટેબલ પર અથવા રાહુલ ગાંધીની બાજુની ખુરશી પર બેસવું અકલ્પનીય છે. કોંગ્રેસમાં મને સોનિયા ગાંધીની સામે તો એ કહેતા પણ ડર લાગતો હતો કે દેશ પહેલા આવે છે અને ગાંધી પરિવાર પછી આવે છે પરંતુ મોદીજી પોતે કહે છે કે દેશ પ્રથમ, પાર્ટી બાદમાં આવે છે અને પરિવાર તો સૌથી છેલ્લે આવે છે. આ ભાજપનો સંગઠનાત્મક આધાર દર્શાવે છે.
સીએમ સરમાએ આગળ કહ્યું કે, અમિત શાહ જેવા વરિષ્ઠ નેતા પણ કોઈ હોટલના બદલે પાર્ટી કાર્યકર્તાઓના ઘરે ભોજન કરવામાં ખુશી અનુભવે છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ 400થી વધુ બેઠકો જીતશે: સીએમ હિમંતા બિસ્વા સરમા
તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ 400થી વધુ બેઠકો જીતશે અને કોંગ્રેસ રીજનલ પાર્ટી બનીને રહી જશે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી બાદ કોંગ્રેસનો રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો પ્રભાવ ઓછો થઈ જશે. તેઓ તેમની નિષ્ફળતા કેવી રીતે છુપાવશે? કોઈ રાષ્ટ્રીય નેતૃત્વ બાકી નહીં રહેશે અને તે રીજનલ પાર્ટી બનીને રહી જશે.