VIDEO: ભાજપે હારનું ઠીકરું મુસ્લિમો પર ફોડ્યું, કહ્યું- 'વીજળી-રસ્તા નથી, તો પણ વોટ કોંગ્રેસને'
Assam CM Himanta Biswa Sarma Again Targetted Muslim : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફરી મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓંક્યું છે અને તેમણે લોકસભામાં ભાજપ નેતાના હારનું ઠીકરું મુસ્લિમો પર ફોડ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, લોકસભા ચૂંટણી-2024માં કોંગ્રેસે સૌથી વધુ બાંગ્લાદેશી મુસ્લિમોએ મત આપ્યા છે. આ લોકોએ કેન્દ્ર અને ભાજપ શાસિત રાજ્ય સરકારોએ કરેલા વિકાસ કામોની અવગણના કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આસામનો એકમાત્ર આ સમાજ સાંપ્રદાયિકતામાં સામેલ છે.
આસામમાં ભાજપને 47 ટકા, કોંગ્રેસને 39 ટકા મત મળ્યા
આસામમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે વિજેતા ઉમેદવારોના સ્વાગત સમારોહમાં બોલતા હિમંતાએ કહ્યું કે, સત્તાધારી ગઠબંધનને લગભગ 47 ટકા અને કોંગ્રેસ (Congress) અને તેના સાથી પક્ષોને 39 મત મળ્યા છે. ભાજપ (BJP), એજીપી-યૂપીપીએલ ગઠબંધને આસામની 14 લોકસભા બેઠકોમાંથી 11 પર જીત મેળવી છે. જ્યારે બાકીની ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે.
‘મુસ્લિમ વસ્તી ધરાવતા 21 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 3 ટકા મત મળ્યા’
હિમંતાએ દાવો કર્યો કે, કોંગ્રેસને મળેલા 39 ટકા મતોમાંથી 50 ટકા મતો મુસ્લિમ વસ્તી (Muslim Population) ધરાવતા 21 વિધાનસભા બેઠકોમાંથી મળ્યા છે, જ્યારે અહીંથી ભાજપને માત્ર ત્રણ ટકા મત મળ્યા છે. તેમણે કોઈપણ સંપ્રદાયનું નામ લીધા વગર કહ્યું કે, ‘આનાથી સાબિત થાય છે કે હિંદુઓ કોમવાદમાં સામેલ નથી. જો આસામમાં કોઈ સમાજ કોમવાદમાં માનતો હોત તો તે માત્ર એક સમાજ અને એક ધર્મ જ છે. કોઈ અન્ય ધર્મો આવું કરતા નથી. તેમણે કહ્યું કે, મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં રસ્તાઓ બન્યા, વીજળી અપાઈ, તેમ છતાં તેઓ કોંગ્રેસને જ બહોળા પ્રમાણમાં મતો આપતા રહ્યા છે અને તેમણે ફરી આવું કર્યું છે.
‘આસામમાં રહેતા મૂળ બાંગ્લાદેશીઓ રાજ્ય પર અંકુશ મેળવવા માંગે છે’
મુખ્યમંત્રી હિમંતાએ વધુમાં કહ્યું કે, ‘જો આપણે કરીમગંજ સિવાય મૂળ બાંગ્લાદેશીઓની વસ્તી ધરાવતા વિસ્તારો જોઈએ તો ત્યાંથી 99 ટકા મતો કોંગ્રેસને ગયા છે. તેમણે એવું પણ કહ્યું કે, બાંગ્લાદેશી મુસ્લિમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ઘરોમાં રહે છે, તેઓ મોદી દ્વારા અપાયેલી વીજળી અને સ્વચ્છ સુવિધાનો ઉપયોગ કરે છે, છતાં તેઓ માત્ર કોંગ્રેસને જ વોટ આપે છે. મૂળ બાંગ્લાદેશી મુસ્લિમો કોંગ્રેસને જ વોટ આપશે, કારણે કે તેઓ આગામી 10 વર્ષમાં રાજ્યમાં અંકુશ મેળવવા માંગે છે.’