‘શું ભાજપના બૉસ હિન્દુ નથી?’ મહાકુંભમાં મુદ્દે ઉદ્ધવ પર આક્ષેપ કરનાર શિંદેને રાઉતનો વળતો જવાબ
Maharashtra Politics News : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનું 26 ફેબ્રુઆરીએ સમાપન થયું છે. વિશ્વભરમાં છવાયેલા મહાકુંભમાં અનેક સેલિબ્રિટીઓએ, નેતાઓએ સંગમમાં સ્નાન કર્યું હતું, જોકે શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહાકુંભનો લાભ ન લેતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમના પર નિશાન સાધ્યું હતું, જેનો સંજય રાઉતે વળતો જવાબ આપ્યો છે.
‘શું શિંદેમાં ભાગવતને પ્રશ્ન પૂછવાની હિમ્મત છે?’
શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે શિંદે પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘હિન્દુવાદી નેતા શિંદે ઉદ્ધવ ઠાકરે પર આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ શું તેમનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતને પ્રશ્ન પૂછવાની હિમ્મત છે?’
રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘એકનાથ શિંદે કમાલની ચીજ છે. પોતાને હિન્દુવાદી કહેતા શિંદે સવાલ કરી રહ્યા છે કે, ઉદ્ધવ ઠાકરે કુંભ કેમ ન ગયા? શિંદેનો સવાલ સારો છે, પરંતુ તેમણે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પ્રશ્ન પૂછવાની હિમ્મત દેખાડવી જોઈએ. શું ભાજપના બૉસ હિન્દુ નથી?’
આ પણ વાંચો : ‘ચૂંટણીએ મારી દીકરીનો જીવ લીધો’ કાર્યકરની હત્યા બાદ માતાએ કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ
શિંદેએ ઉદ્ધવ અંગે શું કહ્યું હતું?
મહાકુંભનું સમાપન થયા બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કુંભ સ્નાન અંગે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. તેમણે 27 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, ‘કેટલાક લોકો પોતાને હિન્દુવાદી નેતા કહે છે, પરંતુ તેઓ કુંભ સ્નાન કરવા ન ગયા. 64 કરોડ લોકોએ કુંભમાં પવિત્ર સ્નાન કર્યું, પરંતુ કેટલાક હિન્દુવાદી નેતા ત્યાં ન ગયા.’
આ પણ વાંચો : બસપાની બેઠકમાં મોટો નિર્ણય, માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને તમામ પદેથી હટાવ્યાં