બુલેટ ટ્રેનથી લઈને એશિયા યુરોપ કોરિડોર...: જાણો ઈટાલીમાં G-7 સમિટથી દેશને શું-શું મળ્યું
Image Source: Twitter
PM Modi in G7 Summit: ઈટાલીના અપુલિયામાં યોજાયેલી ગ્રૂપ ઓફ સેવન (G-7) શિખર સમ્મેલનમાં ભારતનો દબદબો સ્પષ્ટપણે નજર આવ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G-7 સમિટમાં યુએસ પ્રમુખ જો બાઈડેન, જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત વિશ્વના ઘણાં નેતાઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ઘણાંં દેશો મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને ઉકેલવા માટે ભારત સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બીજી તરફ યુરોપે નક્કર માળખાકીય પ્રસ્તાવોને વધુ પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચાલો તમને જણાવીએ કે, ક્યાં અને કોની સાથે વાત બની અને જાણીએ ઈટાલીથી વડાપ્રધાન મોદી શું-શું લાવ્યા.
કેનેડા સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત ખાસ રહી
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેની મુલાકાત ઘણી ખાસ રહી છે. ઘણાં દેશોની નજર આ મુલાકાત પર હતી. જસ્ટિન ટ્રુડોએ શનિવારે કહ્યું હતું કે, G7 સમિટમાં વડાપ્રધાન મોદી સાથેની મારી મુલાકાત બાદ કેટલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને ઉકેલવા માટે ભારત સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા છે. પરંતુ તે આવનારા સમયમાં કેટલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દાને ઉકેલવા માટે એક સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા છે. ભારતનું કહેવું છે કે, બંને દેશો વચ્ચેનો મુખ્ય મુદ્દો એ છે કે કેનેડા પોતાના પ્રદેશમાંથી કાર્યરત થઈ રહેલા ખાલિસ્તાન સમર્થક તત્વોને જગ્યા આપી રહ્યું છે. ભારતે પોતાની ઊંડી ચિંતાઓ કેનેડાને વારંવાર જણાવી છે અને નવી દિલ્હી અપેક્ષા રાખે છે કે, ઓટાવા તે તત્વો સામે કડક કાર્યવાહી કરશે.
વડાપ્રધાન મોદી અને ઈટાલિન PM મેલોનીએ બંને દેશની વ્યૂહાત્મક ભાગીદારી પર વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી અને ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર સહિત વૈશ્વિક મંચો તથા બહુપક્ષીય પ્રસ્તાવોમાં સહકારને મજબૂત કરવા સંમતિ વ્યક્ત કરી. પીએમ મોદીની દક્ષિણ ઈટાલીના અપુલિયાની એક દિવસીય યાત્રાના અંતમાં શુક્રવારે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન મોદીએ G7 સમિટમાં આમંત્રણ આપવા બદલ ઈટાલીના વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
વિદેશ મંત્રાલયે આ બેઠક વિશે જારી કરેલી જાહેરાતમાં કહ્યું કે, નેતાઓએ ખુલ્લા અને મુક્ત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે પોતાના સહિયારા વિઝનને પરિપૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી અને ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર પર પણ ચર્ચા કરી હતી. ક્ષેત્રમાં ચીનની આક્રમક ગતિવિધિઓ વચ્ચે વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને નેતાઓ મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે તેમના સહિયારા વિઝનને પરિપૂર્ણ કરવા માટે તૈયાર રૂપરેખા હેઠળ અમલમાં મૂકાનારી સંયુક્ત ગતિવિધિઓ માટે તત્પર છે.
ભારત-જાપાન દ્વિપક્ષીય સબંધોમાં થયો સુધારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના અપુલિયામાં G-7 સમિટના અવસર પર જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સતત ત્રીજી વખત પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવવા બદલ વડાપ્રધાન કિશિદાનો આભાર માન્યો હતો. તેમણે એ વાતની પુષ્ટિ કરી કે, તેમના ત્રીજા કાર્યકાળમાં પણ જાપાન સાથેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા મળતી રહેશે. બંને નેતાઓએ કહ્યું કે ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી પોતાના 10મા વર્ષમાં છે અને દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને નેતાઓએ પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા, નવા અને ઉભરતા ક્ષેત્રોને જોડવા અને B2B અને P2P સહયોગને મજબૂત કરવાના માર્ગ પર ચર્ચા કરી.
ભારત અને જાપાન ઘણાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે જેમાં ઐતિહાસિક મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન) પણ સામેલ છે. 2022-2027ના સમયગાળા દરમિયાન ભારતમાં 5 ટ્રિલિયન યેનનું જાપાની રોકાણનું લક્ષ્ય છે અને ભારત-જાપાન ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા ભાગીદારીનો ઉદ્દેશ્ય આપણા મેન્યુફેક્ચરિંગ સબંધી સહકારમાં પરિવર્તન લાવવાનો છે. બંને નેતાઓએ આગામી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પોતાની ચર્ચાઓ ચાલુ રાખવા માટે આતુરતા વ્યક્ત કરી હતી.
ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોરના ઘણાંં ફાયદા
G7 સમિટના અંતમાં ઔદ્યોગિક દેશોના સમૂહે ભારત-પશ્ચિમ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC) જેવી નક્કર માળખાકીય પ્રસ્તાવોને વધુ પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC) પ્રોજેક્ટ હેઠળ સાઉદી અરેબિયા, ભારત, યુએસ અને યુરોપ વચ્ચે એક વિશાળ રોડ, રેલમાર્ગ અને શિપિંગ નેટવર્કની પરિકલ્પના કરવામાં આવી છે જેથી એશિયા, પશ્ચિમ એશિયા અને પશ્ચિમ વચ્ચે જોડાણ સુનિશ્ચિત કરી શકાય.
G-7 સમિટના અંતમાં કહેવામાં આવ્યું કે, અમે ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે પરિવર્તનકારી આર્થિક કોરિડોર વિકસિત કરવા માટે G-7 PGIIના ઠોસ પ્રસ્તાવ, પ્રમુખ પ્રોજેક્ટ અને પૂરક પ્રસ્તાવોને પ્રોત્સાહન આપીશું. જેમ કે લોબિટો કોરિડોર, લુઝોન કોરિડોર, મિડલ કોરિડોર અને ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઈકોનોમિક કોરિડોર માટે અમારા સમન્વય અને ફાઈનાન્સિંગ કાર્યક્રમોને મજબૂત કરવા અને આ સાથે જ ઈયુ ગ્લોબલ ગેટવે, ગ્રેટ ગ્રીન વોલ પહેલ અને આફ્રિકા માટે ઈટાલી દ્વારા શરૂ કરવામાં આવેલી મૈટેઈ યોજનાને તૈયાર કરવાનું છે.