સંભલ જામા મસ્જિદમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામ, ASIના સોગંદનામામાં ચોંકાવનારા દાવા
ASI Affidavit On Sambhal Jama Masjid: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)એ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં જણાવાયું છે કે, સંભલ જામા મસ્જિદમાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. 1920થી આ મસ્જિદના સંરક્ષણ અને જાળવણીની જવાબદારી અમારી પાસે છે. પરંતુ લાંબા સમયથી અમારી ટીમને મસ્જિદમાં દાખલ થતી અટકાવવામાં આવી છે. જેથી તેના હાલના બાંધકામની જાણકારી અમારી પાસે નથી.
અમે સમયાંતરે કામ કરવા ગયા, પણ અમને અટકાવાયા
ASIએ જણાવ્યા પ્રમાણે, તેમની ટીમ સમયાંતરે આ પૌરાણિક મસ્જિદની જાળવણી અને સરવે માટે ગઈ છે. પરંતુ ત્યાંના સ્થાનિકોએ હંમેશા વિરોધ કર્યો અને અમને અંદર જતાં અટકાવ્યા હતા. ASIની ટીમ 1998માં મસ્જિદની અંદર ચકાસણી માટે ગઈ હતી. તે સમયે અંદરની તરફ કોઈ ગેરકાયદે બાંધકામ થયા ન હતા. છેલ્લે આ વર્ષે જૂનમાં ASIના અધિકારીઓની ટીમ સ્થાનિક પોલીસના સહયોગથી મસ્જિદની અંદર જઈ શકી હતી.
સંભલ મસ્જિદમાં નિયમોનો ભંગઃ ASI
ASIએ આ વર્ષે જૂનની મુલાકાતમાં મસ્જિદની ઇમારતની અંદર વધારાનું બાંધકામ જોયું હતું. જેમાં પ્રાચીન ઇમારતો અને પુરાતત્ત્વીક અવશેષોના સંરક્ષણ અધિનિયમ 1958ની જોગવાઈઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પરંતુ જ્યારે પણ ASIની ટીમ તેની મુલાકાત લેવા ગઈ છે, ત્યારે તેને અટકાવી દેવામાં આવતી હતી. સ્થાનિકો પોલીસ ફરિયાદ કરતા હતા.
આ પણ વાંચોઃ સંભલ મસ્જિદ વિવાદમાં નીચલી કોર્ટને કોઈ એક્શન નહીં લેવા સુપ્રીમનો આદેશ
શો કોઝ નોટિસ પણ પાઠવી
ASI દ્વારા પૌરાણિક મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ કરવા બદલ જવાબદાર લોકોને શો કોઝ નોટિસ પણ પાઠવામાં આવી હતી. મુખ્ય મસ્જિદની ઇમારતની સીડીઓ પર બંને બાજુ સ્ટીલની રેલિંગ લગાવી દેવામાં આવી છે. આ મુદ્દે 19 જાન્યુઆરી, 2018ના રોજ સંભલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી. બાદમાં 23 જાન્યુઆરી, 2018ના રોજ ASIના સુપ્રીટેન્ડિંગ આર્કિયોલૉજિસ્ટે સંભલ જામા મસ્જિદના કમિટી અધ્યક્ષને શો કોઝ નોટિસ આપી હતી. 16 ફેબ્રુઆરી, 2018ના રોજ આગ્રા મંડળના એડિશનલ કમિશ્નર એડમિનિસ્ટ્રેશને સ્ટીલની રેલિંગ ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
આ સંરક્ષિત મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ
મસ્જિદની મધ્યમાં એક તળાવ છે જેનો ઉપયોગ નામાઝ કરનારા કરે છે. હાલમાં આ ટાંકીનું પથ્થર મૂકી રિનોવેશન કરવામાં આવ્યું છે. મુખ્ય દરવાજાથી મસ્જિદમાં પ્રવેશતાંની સાથે જ જમીન પર રેડ સેન્ડસ્ટોન, માર્બલ અને ગ્રેનાઇટનો ઉપયોગ કરીને નવું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. જૂના અસલ પથ્થરનું માળખું તેમાં દટાયેલું છે. હાલમાં, જામા મસ્જિદની દિવાલોને મસ્જિદ કમિટી દ્વારા ઈનેમલ પેઇન્ટથી રંગવામાં આવી છે. મૂળ પથ્થરના બાંધકામમાં પ્લાસ્ટર ઑફ પેરિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે મસ્જિદનું મૂળ સ્વરૂપ નષ્ટ થઈ ગયું છે.
મસ્જિદના મુખ્ય હોલના ગુંબજમાંથી લોખંડની સાંકળ સાથે કાચનું ઝુમ્મર લટકાવવામાં આવ્યું છે. ઉપરોક્ત લોખંડની સાંકળનું વર્ણન એ. ફુહરરે તેમના પુસ્તક 'ધ મોન્યુમેન્ટલ એન્ટિક્વિટીઝ એન્ડ ઇન્સ્ક્રિપ્શન્સ, ઇન ધ નોર્થ-વેસ્ટર્ન પ્રોવિન્સ એન્ડ અવધ'માં પૃષ્ઠ નંબર 10 પર કર્યું છે. આ પુસ્તકમાં સંભલ મસ્જિદના મૂળ બાંધકામ અને સ્થાપત્યનો ઉલ્લેખ છે. પરંતુ હવે જૂની છતના વાસ્તવિક અવશેષો માત્ર મસ્જિદની પશ્ચિમ બાજુના બે નાના ઓરડા જેવા માળખામાં અને મસ્જિદના ઉત્તર ભાગમાં નાના ઓરડા જેવા માળખામાં જ દેખાય છે. ઉપરોક્ત રૂમ સામાન્ય રીતે બંધ રહે છે.
આ પણ વાંચોઃ 2012 સુધી સંભલની જામા મસ્જિદ હરિહર મંદિર જ હતું...', ભાજપના ધારાસભ્યનો ચોંકાવનારો દાવો
મસ્જિદના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ
મસ્જિદના 1875-76ની આકૃતિ સાથે સરખામણી કરવામાં આવે તો, તેની મુખ્ય રચનાના આગળના ભાગમાં ઉપરના ભાગમાં કમાનવાળું માળખું દેખાય છે. છજ્જા, સંઘાડો અને મિનારા વગેરેનું નિર્માણ પછીના સમયમાં કરવામાં આવ્યું હતું. મસ્જિદની મુખ્ય ઇમારતની સીડીઓ દક્ષિણ દિશામાં બનાવવામાં આવી છે. ટેકરા પર બનેલી આ ઇમારતના ઉપરના ભાગમાં એક કિલ્લો પણ બનેલો છે. મસ્જિદના પાછળના ભાગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જૂના ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા. મસ્જિદ કમિટીએ તે પ્રાચીન ઇમારતને દુકાનમાં ફેરવીને ભાડે લીધી છે. ASIએ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં લખ્યું છે કે હાલમાં ઘણી જગ્યાએ મનસ્વી બાંધકામને કારણે આ સંરક્ષિત સ્મારક મસ્જિદનું મૂળ માળખું નષ્ટ થઈ ગયું છે. મુખ્ય ભાગના ઇન્ટિરિયરમાં બ્રાઇટ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર બાંધકામને કારણે આ મસ્જિદનું મૂળ સ્વરૂપ ઘણું બગડી ગયું છે.