એપલ હેકિંગ મામલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વિપક્ષના દાવાને ફગાવ્યો, કહ્યું તપાસના આદેશ આપ્યા
વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે તેઓ સરકાર પર આવા હેકિંગના આરોપ લગાવે છે : અશ્વિની વૈષ્ણવ
Image : wikipedia |
Apple Hacking Case : વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર એપલ હેકિંગનો દાવો કર્યો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini vaishnav)એ આ દાવાઓને ફગાવી દઈને જવાબ આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે એપલ હેકિંગ (Apple hacking) કેસની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
વિપક્ષી નેતાઓએ સરકારની ટીકા કરી હતી
વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર તેમના ફોન અને ઈમેલ હેક કરવાનો આરોપ લગાવ્યો હતો અને Apple દ્વારા મળેલા ચેતવણી સંદેશને શેર કરીને સરકારની ટીકા કરી હતી, ત્યારે હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપતા કહ્યું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે તેઓ સરકાર પર આવા હેકિંગના આરોપ લગાવે છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે અમારા કેટલાક ટીકાકારો છે જે હંમેશા ખોટા આરોપો લગાવે છે. તેઓ દેશની પ્રગતિ ઈચ્છતા નથી. તેમણે વધુમાં કહ્યું કે એપલે 150 દેશોમાં એડવાઈઝરી જાહેર કરી છે એપલે અનુમાનના આધારે મેસેજ મોકલ્યો છે અને કંપનીએ તેની સ્પષ્ટતા જાહેર કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ મામલે સરકારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
શું છે વિપક્ષના આક્ષેપો?
વિપક્ષના કેટલાક નેતાઓએ ફોન અને ઈમેલ હેક કરવાનો આરોપ લગાવ્યો હતો. TMC સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસ નેતા શશી થરૂર અને પવન ખેડા સહિતના કેટલાક વિપક્ષી નેતાઓએ એપલ દ્વારા એક એલર્ટનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ એલર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે સરકાર તેમના ફોન અને ઈમેલને હેક કરવાની કોશિશ કરી રહી છે.