અશોક ગેહલોત કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી લડશે : રાજસ્થાનના મુ.મં. પદેથી રાજીનામું આપશે
- રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે નવા પક્ષ પ્રમુખે 'એક વ્યક્તિ એક પદ'નો સિદ્ધાંત અપનાવવો પડશે
કોચ્ચી/નવી દિલ્હી : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસના નવા પ્રમુખ બનશે, તે લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. પરંતુ તે સાથે તેઓએ રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડવું પડશે. ગાંધી કુટુમ્બના માનીતા મનાતા અશોક ગેહલોત હવે પૂર્વ પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીની સલાહ અને સૂચના પ્રમાણે ચાલી રહ્યાં છે.
જોકે આ પૂર્વે બુધવારે તેઓએ તેમ કહ્યું હતું કે, પોતે કોંગ્રેસ પ્રમુખ બનશે તો પણ રાજસ્થાનના મુખ્યમંત્રીપદે ચાલુ રહેશે. પરંતુ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દરેકે 'એક વ્યક્તિ એક પદ'નો સિદ્ધાંત અનુસરવો જોઈએ. તેથી ગેહલોતે મુખ્યમંત્રી પદનો ત્યાગ કરવા નિર્ણય કર્યો હતો.
ગેહલોતે રાહુલ ગાંધીના નિર્ણયને યોગ્ય ઠરાવતાં કહ્યું હતું કે, 'હજી સુધીમાં કોઈ મુખ્યમંત્રી કોંગ્રેસના પ્રમુખપદે આવ્યા નથી.'
ગુરૂવારે સવારે કોંગ્રેસ ચૂંટણીપંચના વડા મધુસૂદન મિસ્ત્રીએ પક્ષ પ્રમુખપદની ચૂંટણી અંગે જાહેરાત કર્યા પછી તુર્ત જ આ ઘટનાક્રમ શરૂ થઈ ગયો છે, અને ૨૨ વર્ષ પછી કોંગ્રેસના પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે.
વાસ્તવમાં અશોક ગેહલોત 'પક્ષ હાઈકમાન્ડ'ના માનીતા છે પરંતુ તેમની સામે કોંગ્રેસના જ કેરલના સાંસદ શશી થરૂર ઉભા રહે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. દરમિયાન અશોક ગેહલોત તો રાહુલ ગાંધીને કેરલમાં મળ્યા પણ હતા અને તેઓની સાથે પદયાત્રામાં થોડા સમય સહયાત્રી પણ રહ્યા હતા.
પ્રાપ્ય માહિતી પ્રમાણે ગેહલોત સાથેની મંત્રણા પછી રાહુલ ગાંધી વિમાન દ્વારા દિલ્હી પહોંચી પક્ષનાં વડાં (સોનિયા ગાંધી) સાથે વધુ ચર્ચા કરશે.
જો ગેહલોત પક્ષ પ્રમુખ બને તો રાજસ્થાનમાં તેમના અનુગામી કોણ હશે ? તેવા પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં ગેહલોતે જણાવ્યું હતું કે, 'જોઈએ પરિસ્થિતિ કેવો વળાંક લે છે' તે જોકે જાણકારો કહે છે કે ગેહલોત તેમના કટ્ટર હરિફ સચિન પાયલોટને બદલે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ સી.પી. જોષીને જ વધુ પસંદ કરશે.
કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી અંગે તો નિરીક્ષકો જણાવી રહ્યાં છે કે, હાઈકમાન્ડના માનીતા તેવા ગેહલોત જ શશી થરૂર કરતા મતદાનમાં ઘણા આગળ નીકળી જશે.