Get The App

મોદી કેબિનેટ શપથ લે એ પહેલાં કદાવર કોંગ્રેસી નેતાની મોટી માગ, કહ્યું - 'પહેલો હક રાજસ્થાનનો...'

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
મોદી કેબિનેટ શપથ લે એ પહેલાં કદાવર કોંગ્રેસી નેતાની મોટી માગ, કહ્યું - 'પહેલો હક રાજસ્થાનનો...' 1 - image


Image Source: Twitter

PM Modi Swearing-In Ceremony: નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ પહેલા મોદી વિપક્ષના નિશાન પર છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે X પર પોસ્ટ કરીને લખ્યું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. મીડિયા રિપોર્ટ્સ પરથી લાગી રહ્યું છે કે, આ સરકારની સ્થિતિ નબળી હોવાના કારણે બિહાર અને આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળવા જઈ રહ્યો છે.

પૂર્વ CMએ આગળ લખ્યું કે, 'હું તમને કહેવા માંગુ છું કે વિશેષ રાજ્યનો દરજ્જો અથવા કેન્દ્ર સરકારના વિશેષ ધ્યાનની જરૂર સૌથી પહેલા રાજસ્થાનને છે કારણ કે અમારું રાજ્ય સૌથી મોટું રણ રાજ્ય છે. આખા રાજ્યમાં માત્ર એક નાના ભાગમાં આખુ વર્ષ વહેતી નદી છે અને ભૌગોલિક પરિસ્થિતિ પડકારરૂપ છે. રાજસ્થાનનું ક્ષેત્રફળ દેશનું 10% છે પરંતુ પાણી માત્ર 1% છે. 

વિશેષ રાજ્યનો દરજ્જો મેળવવાનો પહેલો હક રાજસ્થાનનો

અશોક ગેહલોતે આગળ લખ્યું કે, અમારા ગામડાઓ વચ્ચેનું અંતર એટલું વધારે છે કે, વીજળી, પાણી, રસ્તા સહિત દરેક સેવાની ડિલિવરીનો ખર્ચ ઘણો વધારે છે. ઉદાહરણ તરીકે અહીં જલ જીવન મિશનમાં પાણીનું એક કનેક્શન લગાવવાનો ખર્ચ ક્યાંક-ક્યાંક 20,000 રૂપિયાથી પણ વધારે છે. અમારા રાજ્યમાં કેટલાક જિલ્લાઓનું ક્ષેત્રફળ તો દેશના રાજ્યો કરતા પણ વધુ છે. આવી સ્થિતિમાં વિશેષ રાજ્યના દરજ્જાની અમારી જૂની માગ કાયમ છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગ કરું છું કે, વિશેષ રાજ્યના દરજ્જા પર પ્રથમ હક રાજસ્થાનનો છે. આ માગને પૂરી કરવી જોઈએ.

ત્રીજી વાર PM બનનારા બીજા રાજનેતા બનશે નરેન્દ્ર મોદી

પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી બીજા એવા રાજનેતા છે જેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી. પરંતુ તે પોતાના સહયોગીઓ સાથે મળીને સરકાર બનાવી રહી છે.



Google NewsGoogle News