લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો, અશોકરાવ ચવ્હાણ ભાજપમાં જોડાયા
અશોકરાવ ચવ્હાણને ભાજપ દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે
Ashokrao Chavan Join BJP: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોકરાવ ચવ્હાણ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા છે. તે આજે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. સોમવારે અશોકરાવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
ભાજપ રાજ્યસભામાં મોકલશે તેવી ચર્ચા!
આ દરમિયાન એવા પણ કેટલાક અહેવાલ છે કે જો અશોક ચવ્હાણને ભાજપ દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. અશોક ચવ્હાણ સાથે કોંગ્રેસના અન્ય કેટલાક ધારાસભ્યો પણ પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા હોવા તેવા પણ સંકેત છે.
અશોકરાવ ચવ્હાણને પિતા રાજકીય વારસો મળ્યો
28મી ઓક્ટોબર 1958માં જન્મેલા અશોકરાવ ચવ્હાણને રાજકીય વારસો તેમના પિતા શંકરરાવ ચવ્હાણ પાસેથી મળ્યો હતો. અશોક ચવ્હાણ 8મી ડિસેમ્બર 2008થી 9મી નવેમ્બર 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેમણે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
અશોકરાવ ચવ્હાણી રાજકીય સફર
અશોકરાવ ચવ્હાણ વિલાસરાવ દેશમુખની સરકારમાં સાંસ્કૃતિક બાબતો, ઉદ્યોગ, ખાણ અને પ્રોટોકોલ મંત્રી હતા. તેઓ 2019માં નાંદેડ જિલ્લાની ભોકર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 2010માં મુંબઈમાં આદર્શ હાઉસિંગ કૌભાંડમાં અશોકરાવની કથિત સંડોવણીને લઈને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તે બે વખત સાંસદ અને ચાર વખતના ધારાસભ્ય રહી ચુક્યા છે અને 2015થી 2019 સુધી મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. 1987માં પહેલીવાર લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2014માં તે બીજી વખત સાંસદ બન્યા હતા.