હે ભગવાન...! કોઈ ચિતામાંથી અસ્થિઓ જ ચોરી ગયું, ફરિયાદ થતાં પોલીસ પણ ગોથે ચઢી ગઈ
Representative Image |
Ashes Stolen From Pyre: ઉત્તરપ્રદેશના હાપુડ જીલ્લાના બાબુગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીકનપુર ગામમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. તમે ચોરને પૈસા, ઘરેણાં, કિંમતી ચીજવસ્તુઓ ચોરતા સાંભળ્યા હશે. પરંતુ અહીં તો ચોરોએ વૃદ્ધ મહિલાની અંતિમવિધિની ચિતામાંથી અસ્થિ ચોરી લીધી હતી.
હકીકતમાં 2 સપ્ટેમ્બરના રોજ વૃદ્ધ મહિલાના મૃત્યુ બાદ ખેતરમાં તેમના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમના સંબંધીઓ વૃદ્ધ મહિલાની સમાધિ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. જ્યારે સોમવારે સવારે સંબંધીઓ અસ્થિ લેવા ગયા ત્યારે તેમને ત્યાં માત્ર અસ્થિ જ મળી. આ મામલાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પીડિત પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભીકનપુર ગામના રહેવાસી પૃથ્વી સિંહનું વર્ષ 2019માં અવસાન થયું હતું. તે તેની માતા સ્વરૂપી (85 વર્ષ), પત્ની અંજુ, પુત્ર રિતિક, પુત્રીઓ આશી અને ભવ્ય સાથે રહેતા હતા. માતા સ્વરૂપી દેવીની તબિયત ઘણાં સમયથી નાદુરસ્ત રહેતી હતી. જેને લઈને 2 સપ્ટેમ્બરના રોજ તેમનું અવસાન થયું હતું. માતાની છેલ્લી ઈચ્છા હતી કે તેના મૃત્યુ બાદ તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર ખેતરમાં કરવામાં આવે. સાથે તેમની સમાધિ પણ બનાવવામાં આવે. તેની માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે માતાના મૃતદેહને તેમના ખેતરમાં અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો.
આ પછી માતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ રવિવારે મોડી રાત્રે સંબંધીઓ ચિતા પાસે દીવો પ્રગટાવીને ઘરે પરત ફર્યા હતા. સંબંધીઓ સોમવારે ચિતા પર દૂધ અને પાણી ચઢાવવા પહોંચ્યા હતા. તેઓ સોમવારે માતાની અસ્થિઓને બ્રજ ઘાટ પર લઈ જવાના હતા, પરંતુ સ્થળ પર અસ્થીઓ ન હતી. રાત્રે કોઈએ અસ્થિની ચોરી કરી હતી. બીજી તરફ પીડિતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે તપાસ ચાલી રહી છે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ગઢમુક્તેશ્વરના બ્રજઘાટમાં હજારો તાંત્રિકો રાત્રે ગંગાના કિનારે તાંત્રિક ક્રિયાઓ કરે છે. આ માટે તેઓ બ્રજઘાટમાં સ્મશાનભૂમિ પર સળગતી ચિતામાંથી અસ્થિ પણ ચોરી લેતા હોય છે. તાંત્રિક વિધિ માટે અંતિમ સંસ્કારની ચિતામાંથી વૃદ્ધ મહિલાની અસ્થિ પણ ચોરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અસ્થિની ચોરીનો આ કોઈ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ શહેરના ચોરાખી મંદિર સ્થિત સ્મશાન ભૂમિમાંથી અસ્થિઓ ચોરવાનો મામલો સામે આવ્યો હતો.