આસારામની તબિયત ફરી લથડી, છાતીમાં દુખાવો થતાં AIIMS માં કરાયા દાખલ
Image Twitter |
Asaram Admitted to AIIMS: યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જોધપુરની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત સોમવારે આસારામે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેના પગલે જેલના અધિકારીઓ તેમને જેલની હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં તેમનો ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ટેસ્ટ કરાવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગુરુવારે તેમને એઈમ્સમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં રિપોર્ટમાં તેમને એનિમિયા હોવાનું સામે આવ્યું હતું.
છાતીમાં દુખાવો થતાં AIIMS માં કરાયા દાખલ
આ ઉપરાંત અન્ય ટેસ્ટ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. જેથી એ પછી તેમને જેલમાં પરત મોકલી દેવામાં આવ્યા હતાં. દરમિયાન ગુરુવારે રાત્રે આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં ફરીથી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ પહેલા આસારામે જોધપુરની ખાનગી હોસ્પિટલમાં આયુર્વેદિક સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટ પાસે માંગણી કરી હતી, જેને મંજૂર કરવામાં આવી હતી.
યૌન શોષણના આરોપમાં સજા કાપી રહ્યા છે આસારામ
તમને જણાવી દઈએ કે, યૌન શોષણના આરોપમાં સજા કાપી રહેલા આસારામને પોલીસ બંદોબસ્તમાં ગત 21 માર્ચે રાજસ્થાન હાઈકોર્ટે જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર કરાવવાની મંજૂરી આપી હતી. જેમાં મહારાષ્ટ્રથી આવેલા આયુર્વેદના નિષ્ણાત દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. જ્યારે આસારામે મહારાષ્ટ્રના ખાપોલીમાં સારવાર કરાવવા માટે અરજી કરી હતી, પરંતુ મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષાના કારણોસર સારવારની પરવાનગી આપી નહોતી.