વક્ફની એક ઇંચ જમીન પણ નહીં છોડીએ...' ઓવૈસીનો કેન્દ્ર સરકારને ચેતવતો વીડિયો વાયરલ
Asaduddin Owaisi on Waqf Bill: ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ 4 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં સંયુક્ત સંસદીય સમિતિ(JPC)ની બેઠક દરમિયાન વક્ફ બિલનો સખત વિરોધ કર્યો હતો. ઓવૈસીએ મોદી સરકારને વર્તમાન સ્વરૂપમાં આ બિલને રજૂ કરવા સામે ચેતવણી આપતાં કહ્યું કે, તેનાથી દેશમાં સામાજિક અસ્થિરતા ઉત્પન્ન થશે. AIMIM ચીફે એ વાત પર ભાર મૂક્યો કે, મુસ્લિમ સમુદાયે બિલને તેના વર્તમાન સ્વરૂપમાં નકારી કાઢ્યું છે કારણ કે તે ભારતીય બંધારણના કલમ 25, 26 અને 14નું ઉલ્લંઘન કરે છે, જે ધાર્મિક સમાનતા અને સ્વતંત્રતાના અધિકારોની ગેરેંટી આપે છે.
ઓવૈસીની કેન્દ્ર સરકારને ચેતવણી
અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, 'હું આ સરકારને સાવધાન કરી રહ્યો છું અને ચેતવણી આપી રહ્યો છું કે, 'જો તમે વર્તમાન સ્વરૂપમાં વકફ બિલને તેના સંસદમાં લાવશો અને તેને કાયદો બનાવશો, તો તેનાથી દેશમાં સામાજિક અસ્થિરતા ઉત્પન્ન થશે.' તેને સમગ્ર મુસ્લિમ સમુદાય દ્વારા નકારી કાઢવામાં આવ્યું છે. વકફ બિલનો હાલનો ડ્રાફ્ટ જો કાયદામાં પસાર થશે, તો તે કલમ 25, 26 અને 14નું ઉલ્લંઘન થશે. અમે કોઈ વક્ફ સંપત્તિ છોડીશું નહીં, કંઈ પણ નહીં છોડીએ.'
વક્ફની એક ઇંચ જમીન પણ નહીં છોડીએ
ઓવૈસીએ આગળ કહ્યું કે, 'આ બિલ દેશની પ્રગતિમાં અવરોધ ઊભો કરશે. તમે વિકસિત ભારત ઇચ્છો છો, અમે પણ વિકસિત ભારત ઇચ્છીએ છીએ. તમે આ દેશને 80 અને 90ના દાયકામાં ફરી ધકેલવા માગો છો. જો આવું કંઈક થશે તો તેની જવાબદારી તમારી રહેશે. કારણ કે, એક ગર્વિત ભારતીય મુસ્લિમ તરીકે હું મારી મસ્જિદની એક ઇંચ જમીન પણ નહીં છોડું. હું મારી દરગાહની એક ઇંચ જમીન પણ નહીં છોડીશ. હું આની મંજૂરી નહીં આપું. અમે હવે અહીં રાજદ્વારી વાટાઘાટો નહીં કરીશું. આ એ ગૃહ છે જ્યાં મારે ઊભા થઈને પ્રામાણિકપણે કહેવું છે કે, મારા સમુદાયના લોકો ગર્વિત ભારતીય છે. આ અમારી સંપત્તિ છે, કોઈએ અમને આપી નથી. તમે આ અમારી પાસેથી છીનવી ન શકો. વક્ફ અમારા માટે ઇબાદતનું એક રૂપ છે.'
વક્ફ બિલમાં 14 સુધારાની ભલામણ
આ પહેલા સંયુક્ત સંસદીય સમિતિએ વક્ફ સુધારા બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી અને ભાજપના નેતૃત્વ હેઠળના NDAના સભ્યો દ્વારા પ્રસ્તાવિત તમામ 14 સુધારાઓને તેમાં સમાવિષ્ટ કર્યા હતા. જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે, વક્ફ બિલના ડ્રાફ્ટમાં તમામ 14 સુધારાને બહુમતીથી અપનાવવામાં આવ્યા છે. 16 સભ્યોએ સુધારાનું સમર્થન કર્યું અને 10 સભ્યોએ તેનો વિરોધ કર્યો છે. બીજી તરફ વિપક્ષે શાસક પક્ષ પર વક્ફ બોર્ડની સ્વાયત્તતાને નબળી પાડવા અને મુસ્લિમ સમુદાયના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરવા માટે બિલનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: વક્ફ સંશોધન બિલને JPCની મંજૂરી: 14 બદલાવ સ્વીકારાયાં, બજેટ સત્રમાં રજૂ કરાશે રિપોર્ટ
વિપક્ષી સાંસદોએ સુધારાનો કર્યો વિરોધ
વક્ફ બિલ પર ગઠિત સંયુક્ત સંસદીય સમિતિમાં સામેલ ઘણા વિપક્ષી સભ્યોએ સુધારા પર અસહમતિ નોટ રજૂ કરી હતી. આ વિપક્ષી સાંસદોમાં કોંગ્રેસ પાર્ટીના ગૌરવ ગોગોઈ, સૈયદ નસીર હુસૈન, મોહમ્મદ જાવેદ, ઈમરાન મસૂદ, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ઉપરાંત ટીએમસીના કલ્યાણ બેનર્જી અને નદીમુલ હક, ડીએમકેના એ. રાજા અને એમએમ અબ્દુલ્લા સામેલ છે. ભાજપના સાંસદ અને જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે 30 જાન્યુઆરીએ વક્ફ સુધારા બિલ પર સંયુક્ત સંસદીય સમિતિનો અંતિમ અહેવાલ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સોંપ્યો હતો.