CM કેજરીવાલના સુંદરકાંડ અને હનુમાન ચાલીસા કરવાના નિર્ણય પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી, જાણો શું કહ્યું
Image Source: Twitter
- અસદુદ્દીન ઓવૈસીએ AAPને RSSનું 'છોટા રિચાર્જ' ગણાવીને કટાક્ષ કર્યો
નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી 2024, મંગળવાર
અયોધ્યામાં એક તરફ રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તાડામાર તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ દર મહિને 'સુંદરકાંડ' પાઠ કરાવવાનું એલાન કરી દીધુ છે. અરવિંદ કેજરીવાલની પાર્ટી દ્વારા કરવામાં આવેલું આ એલાન AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીને પસંદ ન આવ્યું. તેમણે AAPને RSSનું 'છોટા રિચાર્જ' ગણાવીને કટાક્ષ કર્યો અને કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ પણ PM મોદીના એજન્ડા પર ચાલી રહી છે. તેમણે કહ્યું કે દેશના મુસ્લિમો અને સેક્યુલર વિચારધારા ધરાવતા હિંદુઓએ જોઈ લો કે કેવી રીતે હિંદુત્વની સ્પર્ધા થઈ રહી છે.
આ નિર્ણય 22 જાન્યુઆરીના ઉદ્ઘાટનના કારણે લેવામાં આવ્યો: અસદુદ્દીન ઓવૈસી
ઓવૈસીએ સોમવારે રાત્રે આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર ટ્વીટ કર્યું હતું. તેમણે બિલકિસ બાનોના મુદ્દે મૌન રહેવાનો આરોપ લગાવતા કહ્યું કે, RSSના છોટા રિચાર્જે નિર્ણય લીધો છે કે, દિલ્હીના દરેક વિધાનસભા ક્ષેત્રમાં દર મહિનાના પહેલા મંગળવારે 'સુંદરકાંડ' પાઠનું આયોજન કરવામાં આવશે. આ નિર્ણય 22 જાન્યુઆરીના ઉદ્ઘાટનના કારણે લેવામાં આવ્યો છે. તમને યાદ અપાવી દઉં કે, આ લોકોએ બિલકિસ બાનોના મુદ્દે મૌન જાળવી રાખ્યું હતું અને કહ્યું હતું કે તેઓ માત્ર શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર વાત કરવા માંગે છે. શું સુંદરકાંડ પાઠ શિક્ષણ કે સ્વાસ્થ્ય? હકીકત તો એ છે કે તેઓ ન્યાયથી બચી રહ્યા છે. સંઘના એજન્ડાને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે. અમે બાબરી વિશે પણ વાત ન કરીએ અને તમે ન્યાય, મોહબ્બત અને આડી-અવડી વાતો સાથે હિન્દુત્વને મજબૂત કરતા રહો. વાહ!'
તમારામાં ભાજપ-આરએસએસમાં કોઈ ફરક નથી
મંગળવારે હૈદરાબાદમાં ઓવૈસીએ પોતાની વાતને વધુ વેગ આપ્યો અને આમ આદમી પાર્ટી પર તીક્ષ્ણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે મેં જોયું કે દિલ્હીના મુખ્યમંત્રી અને તેમની સરકારે નક્કી કર્યું છે કે તેઓ દર મંગળવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરાવશે. તેના પર મેં કહ્યું કે તમે લોકો બીજેપીથી કેવી રીતે અલગ છો. તમારામાં અને ભાજપ-આરએસએસમાં કોઈ ફરક નથી.
હિન્દુત્વની સ્પર્ધાની રાજનીતિને અપનાવવામાં આવી રહી છે
ઓવૈસીએ કહ્યું કે, હું ફરીથી કહી રહ્યો છું કે આ દેશમાં બહુમતી વર્ગના મત મેળવવા માટે હિન્દુત્વની પ્રતિસ્પર્ધા થઈ રહી છે. હું આ દેશના મુસ્લિમોને અપીલ કરું છું કે તમે લોકો જુઓ. આ જે ખેલ થઈ રહ્યો છે તેમાં હિન્દુત્વની સ્પર્ધાની રાજનીતિને અપનાવવામાં આવી રહી છે. હજું પણ જો આ દેશના આપણા બિનસાંપ્રદાયિક માનસ ધરાવતા હિન્દુ ભાઈઓ અને મુસ્લિમો આ બાબતની નોંધ નહીં લેશો તો નુકસાન કોને થશે? તમને મારી સામે ફરિયાદ હશે પરંતુ આ બધા તમાશા કરવામાં આવી રહ્યા છે તેના પર તમે શું કહેશો. શું આ હિંદુત્વની સ્પર્ધા નથી, શું આ બહુમતી વર્ગના મતો જીતવાનો પ્રયાસ કરવામાં નથી આવી રહ્યો. સેક્યુલરિઝ્મ ક્યાં દફન થઈ ગયું.