મોદી પછી ભાજપના બીજા સૌથી મોટા નેતા સામે ગુજરાતમાં ઉમેદવાર ઉતારવાની AIMIMની તૈયારી
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ તમામ 26 બેઠકો પર મતદાન થશે
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તમામ પક્ષો પોતાની જીતની તૈયારીમાં લાગી ગયા છે. ભાજપ સહિત વિવિધ પક્ષોએ પણ ઘણી બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ મોટી જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતના ભરૂચ અને ગાંધીનગરથી બેઠક પરથી બે ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે. નોંધનીય છે કે હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી સાંસદ છે. આ વખતે પણ ભાજપે તેમને આ જ બેઠક પરથી ટિકિટ આપી છે.
AIMIMએ શું કહ્યું?
AIMIM ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાએ કહ્યું છે કે અમારા નેતૃત્વએ ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠકો પરથી પાર્ટીના ઉમેદવારો ઉભા કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભરૂચ અને ગાંધીનગર બંને બેઠકો પર મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી છે. અમિત શાહ ગાંધીનગરથી, મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે. બંને નેતાઓ 2024માં પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ગાંધીનગર બેઠક પર 2019માં શું હતું પરિણામ?
2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી મોટી જીત નોંધાવી હતી. અમિત શાહે તેમના વિરોધી કોંગ્રેસના ઉમેદવારને 5,57,014 મતોથી હરાવ્યા હતા. તેમને લગભગ 8,94,000 મત મળ્યા હતા. કોંગ્રેસે આ વખતે ગાંધીનગરથી સોનલ પટેલને ટિકિટ આપી છે. અહીં કોંગ્રેસ 1984થી જીતી શકી નથી.
ગુજરાતમાં મતદાન ક્યારે થશે?
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થશે. 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે. સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થશે. તમામ 26 બેઠકો માટે એક સાથે ચૂંટણી યોજાશે. ચોથી જૂને પરિણામ જાહેર થશે.