કોચિંગ સેન્ટર સુધી આગ ફેલાતા વિદ્યાર્થીઓને સીડીથી ઉતારાયા
- હરિયાણામાં મોટી દુર્ઘટના ટળી
- પંચકુલાના સેક્ટર-16ની બિલ્ડિંગમાં પહેલા માળે લાગેલી આગ ફેલાઈ ગઈ હતી
પંચકૂલા : હરિયાણાના પંચકુલામાં સુરત કોચિંગ સેન્ટર જેવી જ આગ લાગી હતી. પંચકુલા સ્થિત એક શોરૂમના પહેલા માળ પર ઈલેક્ટ્રિક બોર્ડમાં આગ લાગ્યા બાદ અફરાતફરી સર્જાઈ હતી. બીજા માળના કોચિંગ સેન્ટરમાં ભણી રહેલા વિદ્યાર્થીઓનો ભારે જહેમત બાદ બચાવ થયો હતો.
એક રિપોર્ટ મુજબ, સેક્ટર-૧૬ના એસસીઓ નંબર ૧૯૫ના પહેલા માળ પર વીજળીના મીટર બોર્ડમાં બપોરના ૧૨ વાગ્યે ભયંકર આગ લાગી હતી. આગના કારણે ધુમાડો બીજા માળ પર આવેલા હારટ્રોન ઈન્સ્ટિટયુટ સુધી ફેલાઈ ગયો હતો. જે સમયે આ ઘટના ઘટી તે સમયે લગભગ ૨૫ થી ૩૦ વિદ્યાર્થીઓ કમ્પ્યુટરની ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં.
ધુમાડો ફેલાઈ જતાં વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આ દરમિયાન દુકાનદારે ફાયર બ્રિગેડને દુર્ઘટનાની જાણકારી આપી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે લાકડાની સીડી લગાવીને ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવ્યા હતા.