વાયનાડની પેટા ચૂંટણી જાહેર થતાં જ પ્રિયંકાની લડવાની તૈયારીઓ શરૂ
- રાહુલ બે બેઠક જીતતા વાયનાડ બેઠક ખાલી કરી હતી
- 13 નવેમ્બરે ઝારખંડના પ્રથમ તબક્કાની વિધાનસભા ચૂંટણી સાથે વાયનાડની પેટા ચૂંટણી
નવી દિલ્હી : ચૂંટણી પંચે વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે ત્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પ્રથમ વખત ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેરળની આ બેઠક પ્રિયંકા માર્ટે લોકસભામાં પ્રવેશ કરવાનો માર્ગ મોકળો બનાવશે.
ચૂંટણી પંચે વાયનાડની પેટા ચૂંટણી જાહેર કરતા જ કોંગ્રેસે જણાવ્યું છે કે આ બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ એમ બે બેઠક પરથી ચૂંટણી લડયા હતાં અને બંને પરથી જીત્યા હતાં. ચૂંટણી પરિણામ જાહેર થયા પછી જૂનમાં કોંગ્રેસે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક જાળવી રાખશે અને વાયનાડ બેઠક ખાલી કરશે. વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે.
જો પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી જીતી જશે તો તે સાંસદ તરીકે પ્રથમ વખત સંસદમાં પ્નવેશ કરશે. આ ઉપરાંત જો પ્રિયંકા ગાંધી જીતી જશે તો સોનિયા, રાહુલ અને પ્રિયંકા ત્રણેય સંસદમાં હશે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ છે. ઉલ્લેખનીય છે કે વાયનાડની પેટા ચૂંટણી ૧૩ નવેમ્બરે ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનની સાથે યોજવામાં આવશે.