શિવસેનાની યાદી આવતા જ I.N.D.I.A. ગઠબંધનમાં તિરાડના સંકેત! કોંગ્રેસ ફરી મોઢું જોતી રહી ગઇ
Image Source: Twitter
મુંબઈ, તા. 27 માર્ચ 2024 બુધવાર
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતાવાળી શિવસેનાએ લોકસભા ચૂંટણી માટે 16 બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરી દીધુ છે. આમાં ઘણી એવી બેઠકો પણ છે જ્યાં કોંગ્રેસ પોતાની દાવેદારી રજૂ કરતી આવી રહી હતી. તેમ છતાં ઉદ્ધવે સૌથી પહેલા ત્યાં પોતાના ઉમેદવારોનું એલાન કરી દીધુ. દરમિયાન હવે એ વાતની અટકળો લગાવાઈ રહી છે કે મહા વિકાસ અઘાડી (MVA) માં વિપક્ષી એકતામાં દરાર પડી ચૂકી છે. વંચિત બહુજન અઘાડીના પ્રકાશ આંબેડકર પહેલા જ એમવીએ નેતાઓથી નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે અને કહી ચૂક્યા છે કે ત્રણેય દળોમાં તાલમેલ નથી.
શિવસેના (યુબીટી) એ ઉમેદવારોની જે લિસ્ટ જારી કરી છે, તેમાં મુંબઈ દક્ષિણ મધ્ય લોકસભા બેઠકથી અનિલ દેસાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ આ બેઠકથી વર્ષા ગાયકવાડને ચૂંટણી મેદાનમાં ઉતારવા ઈચ્છતી હતી. એ વાતની પણ શક્યતા વર્તાવાઈ રહી છે કે અમુક બેઠકો પર MVAના ઘટક દળ ફ્રેંડલી ફાઈટ એટલે કે આંતરિક મિત્રતા સંઘર્ષ કરી શકે છે. જો એવુ થયુ તો MVAની વોટ બેન્ક અંદરોઅંદર વહેંચાઈ શકે છે અને તેનો ફાયદો મહાયુતિને મળી શકે છે.
કોંગ્રેસ મુંબઈ નોર્થ વેસ્ટ બેઠક પણ માંગી રહી હતી જ્યાંથી તે પૂર્વ સાંસદ સંજય નિરુપમને ઉતારવા ઈચ્છતી હતી પરંતુ શિવસેનાએ ત્યાંથી અમોલ કીર્તિકરને ઉમેદવાર બનાવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ સાંગલી બેઠક પર પણ પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે, જ્યારે કોંગ્રેસ આની પર પણ દાવો કરી રહી હતી. સાંગલી બેઠકથી 1962થી સતત 2009 સુધી કોંગ્રેસની જીત થતી રહી છે. આને કોંગ્રેસનો ગઢ કહેવાતો આવતો રહ્યો છે પરંતુ છેલ્લી બે ચૂંટણી (2014 અને 2019)થી ત્યાં ભાજપના સંજય કાકા પાટિલ જીતતા રહ્યા છે. શિવસેના (યુબીટી) એ કોલ્હાપુર અને સાંગલી લોકસભા બેઠકો પર પણ દાવો કર્યો હતો. જોકે, બાદમાં ઉદ્ધવે કોલ્હાપુર બેઠક છોડી દીધી છે.
શિવસેનાએ જે લિસ્ટ જારી કર્યુ છે, તેમાં બુલઢાણાથી નરેન્દ્ર ખેડેકર, યવતમાલ-વાશિમથી સંજય દેશમુખ, માવલથી સંજોગ વાઘેરે પાટીલ, સાંગલીથી ચંદ્રહાર પાટીલ, હિંગોલીથી નાગેશ પાટીલ આષ્ટીકર, સંભાજીનગરથી ચંદ્રકાંત ખેરે, ધારશીવથી ઓમરાજે નિંબાલકર, શિરડીથી ભાઉસાહેબ વાઘચોરે, નાશિકથી રાજાભાઉ વાજે રાયગઢથી અનંત ગીતે, સિંધુદુર્ગ રત્નાગિરીથી વિનાયક રાઉત, થાણેથી રાજન વિચારે, મુંબઈ નોર્થ-ઈસ્ટથી સંજય દિના પાટીલ, મુંબઈ દક્ષિણથી અરવિંદ સાવંત, મુંબઈ નોર્થ વેસ્ટથી અમોલ કીર્તિકર અને પરભણી બેઠકથી સંજય જાધવને ટિકિટ આપી છે.
સંજય રાઉત અનુસાર એમવીએમાં બેઠક શેરિંગ અનુસાર શિવસેના 22 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ 16 અને શરદ પવારની એનસીપી 10 બેઠકો પર ચૂંટણી લડશે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે.