Get The App

સંસદ પરિસરમાં હવે કોઈ ધરણાં, દેખાવો કે સૂત્રોચ્ચાર નહિ થઈ શકે

Updated: Jul 15th, 2022


Google News
Google News
સંસદ પરિસરમાં હવે કોઈ ધરણાં, દેખાવો કે સૂત્રોચ્ચાર નહિ થઈ શકે 1 - image


- અસંસદીય શબ્દોના સંકલન કે શબ્દકોષ અંગે જાગેલા વિવાદ વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ એવી સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ શબ્દ પ્રતિબંધિત નથી

નવી દિલ્હી, તા. 15 જુલાઈ 2022, શુક્રવાર

સંસદ ભવનના પરિસરમાં હવેથી ધરણાં, ભૂખ હડતાળ વગેરેનું આયોજન નહીં થઈ શકે. આ માટે સચિવાલય તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યસભાના મહાસચિવના નવા આદેશ પ્રમાણે સંસદના સદસ્યો હવેથી કોઈ પણ પ્રકારના ધરણાં, દેખાવો, સૂત્રોચ્ચાર, હડતાળ વગેરે માટે તે પરિસરનો ઉપયોગ નહીં કરી શકે.

પીસી મોદી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે, સદસ્યો કોઈ પણ પ્રકારના પ્રદર્શન, ધરણાં, હડતાળ, ઉપવાસ કે અન્ય કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો કરવાના ઉદ્દેશ્યથી સંસદ ભવનના પરિસરનો ઉપયોગ નહીં કરી શકે.  

કોંગ્રેસનો કટાક્ષ

આ નિર્ણય મામલે વિપક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે રાજ્યસભા મહાસચિવના આદેશની કોપી શેર કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ આ અંગે ટ્વિટ કરી હતી. તેમણે આદેશની કોપી શેર કરીને 'વિષગુરૂનું નવું કામ- D(h)arnaની મનાઈ છે' એવું ટેગ આપ્યું હતું. 

અગાઉ અસંસદીય શબ્દોના સંકલન કે શબ્દકોષ અંગે જાગેલા વિવાદ વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ એવી સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ શબ્દ પ્રતિબંધિત નથી. મતલબ કે, સદસ્યો સૂચિમાં સામેલ શબ્દોનો પ્રયોગ કરી શકે છે પરંતુ તેનો ખોટા સંદર્ભમાં ઉપયોગ ન થવો જોઈએ. જો તેનો સંદર્ભ ખોટો હશે તો તેને સંસદીય કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે, સદસ્યો સંસદની મર્યાદાનું પાલન કરે તથા જનમાનસમાં સંસદની છબિ સુધારે. 

બિરલાએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ શબ્દને અસંસદીય શબ્દોના કોષમાં સામેલ કરવાની વ્યવસ્થા નવી નથી, તે 1954ના વર્ષથી અમલી છે. વિપક્ષ દ્વારા અસંસદીય શબ્દો મામલે મોરચો માંડવામાં આવ્યો ત્યાર બાદ બિરલાએ આ પ્રકારની સ્પષ્ટતા કરી હતી. 

આ પણ વાંચોઃ સંસદમાં હવે જુમલાજીવી, કોરોના સ્પ્રેડર, જયચંદ જેવા શબ્દો બોલવા પર પ્રતિબંધ

Tags :