કોલકાતામાં ડોક્ટર પર રેપ-હત્યાના આરોપી સામે કુલ 93 જેટલા પુરાવા
- સીબીઆઇની ટીમોએ 15 સ્થળોએ દરોડા પાડયા
- આરોપી સંજયનો જેલમાં પોલીગ્રાફ ટેસ્ટ ચાર કલાક ચાલ્યો, આ સપ્તાહમાં જ ફોરેન્સિક રિપોર્ટ પણ આવશે
- હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપના ઘરે ૧૨ કલાક સુધી સીબીઆઇએ તપાસ કરી
કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનામાં તપાસ એજન્સી સીબીઆઇને અનેક પુરાવા મળ્યા છે. સીબીઆઇએ મુખ્ય આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરી લીધો છે. સાથે જ હોસ્પિટલ અને કેટલાક સ્થળોએ દરોડા પાડયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન આરોપી સંજય રોયની સામે અનેક પુરાવા એકઠા કરાયા છે. જ્યારે પોલીસે આ કેસ સાથે સંકળાયેલી કુલ ૫૩ વસ્તુઓને સીલ કરી છે.
પોલીસે જપ્ત કરેલી આ વસ્તુઓમાં આરોપી સંજય રોયના કપડા, ઘટના સ્થળેથી મળેલા બ્લૂટયૂથ, સેંડલ, મોબાઇલ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘટનાની રાત્રે આરોપી સંજય રોયના મોબાઇલના લોકેશન પણ ખંખોળવામાં આવ્યા છે. જે મુજબ ઘટનાના દિવસે સંજય રોય હોસ્પિટલમાં રેપ-હત્યા થઇ તે સેમિનાર હોલમાં જ હાજર હતો. તેની બાઇક અને હેલમેટ પણ પોલીસે જપ્ત કર્યા છે. આ તમામ પુરાવા કોર્ટમાં રજુ કરવામાં આવશે. તપાસ એજન્સી સીબીઆઇએ કહ્યું હતું કે એક સપ્તાહમાં જ ફોરેંસિક રિપોર્ટ્સ પણ આવી શકે છે. જે આ કેસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. સ્ટેટ ફોરેંસિક સાઇન્સ વિભાગે ક્રાઇમ સીન પરથી ૪૦ જેટલા પુરાવા એકઠા કર્યા છે. ઘટના સ્થળેથી જે લોહીના સેંપલ એકઠા કરાયા છે તેને સંજય રોયના લોહી સાથે સરખાવવામાં પણ આવશે. તમામ વિભાગ દ્વારા કુલ ૯૩ જેટલા પુરાવા એકઠા કરાયા છે. સીબીઆઇએ સંજય રોયનો જેલમાં જ જુઠ પકડનારી મશીનથી ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટની સમગ્ર પ્રક્રિયા આશરે ચાર કલાક સુધી ચાલી હતી. જ્યારે હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો બાદ સીબીઆઇએ પૂર્વ પ્રિંસિપાલ સંદીપ ઘોષના ઘર પર પણ દરોડા પાડયા હતા. આશરે ૧૨ કલાક સુધી આ દરોડા ચાલ્યા હતા. જ્યારે સંદીપ ઘોષના અન્ય સાથીઓ દેવાશીષ સોમ અને સંજય વશિષ્ઠને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઇએ કુલ ૧૫ જેટલા સ્થળોએ તપાસ કરી હતી. પૂર્વ વાઇસ પ્રિન્સિપાલ અખ્તર અલીની ફરિયાદના આધારે સીબીઆઇએ આ દરોડા પાડયા હતા. સીબીઆઇએ સંદીપ ઘોષની કુલ ૧૦૦ કલાક સુધી પૂછપરછ કરી હતી. સીબીઆઇની ટીમમાં સામેલ એક અધિકારીએ કહ્યું હતું કે દરોડા દરમિયાન ઘણુ બધુ મળ્યું છે. જે અંગે મીડિયાને જાણકારી આપવામાં આવશે.