'આ તો દાઉદ અહિંસા પર પ્રવચન આપતો હોય એવું થયું..' કૃષિ મંત્રીને મુખ્યમંત્રીએ ઝાટક્યાં
Atishi Reply To Shivraj On His Letter: દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે ખેડૂતોને પડી રહેલી તમામ સમસ્યાઓ ગણાવી હતી. હવે આતિશીએ તેમના પત્રનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, 'ભાજપની ખેડૂતો વિશે વાત કરવી એ તો દાઉદ અહિંસા પર પ્રવચન આપતો હોય એવું થયું.' જેટલી ખરાબ હાલત ખેડૂતોની ભાજપના રાજમાં થઈ છે એટલી પહેલા ક્યારેય નથી થઈ. તેમણે પાર્ટીને ખેડૂતો પર રાજકારણ ન કરવાની સલાહ પણ આપી છે.
ખેડૂતો પર રાજકારણ કરવાનું બંધ કરો
દિલ્હીના સીએમ એ આગળ કહ્યું કે, ખેડૂતો પર રાજકારણ કરવાનું બંધ કરો. ભાજપના રાજમાં ખેડૂતો પર ગોળી ચલાવવામાં આવી, લાઠીચાર્જ કરાયો. તમને જણાવી દઈએ કે, ખેડૂતોના મામલે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીના સીએમને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીમાં ખેડૂતોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકારે કેન્દ્રની યોજનાઓને લાગુ કરીને ખેડૂતોને રાહત આપવી જોઈએ.
શિવરાજે પત્રમાં શું કહ્યું?
ચૌહાણે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતો પ્રત્યે ખૂબ જ ઉદાસીન છે અને આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારને ખેડૂતો પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. તેમણે કહ્યું કે, દિલ્હીમાં તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને શ્રીમતી આતિશીએ ક્યારેય ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નથી લીધા.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં 10 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે પરંતુ પૂર્વ મુખ્યમંત્રીએ હંમેશા ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. કેન્દ્ર સરકારની ખેડૂતોના હિતની યોજનાઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા લાગુ કરવામાં નથી આવી. આ કારણોસર દિલ્હીના ખેડૂતો કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત રહી રહ્યા છે. દિલ્હીમાં ખેડૂતો માટે વીજળીના ઊંચા દર નક્કી કરવામાં આવ્યા છે. યમુનાને અડીને આવેલા ગામડાઓમાં સિંચાઈના સાધનોના વીજ કનેક્શન કપાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોની આજીવિકા પર સકંટ ઊભું થયું છે.