EDની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત લથડી, શુગર લેવલ 46 સુધી ઘટ્યું, ડૉક્ટર્સે કહ્યું- આટલું લેવલ ખતરનાક
નવી દિલ્હી, તા. 27 માર્ચ 2024, બુધવાર
Arvind Kejriwal Health Update : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત લથડી ગઈ છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે EDની કસ્ટડીમાં સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત લથડી ગઈ છે. તેમનું શુગર લેવલ સતત ઉપર-નીચે થઈ રહ્યું છે. સીએમ કેજરીવાલનું શુગર લેવલ 46 સુધી ઘટી ગયુ છે. ડોક્ટર્સનું કહેવું છે કે, શુગર લેવલનું આટલું નીચે આવી જવું ખૂબ જ ખતરનાક છે.
અરવિંદ કેજરીવાલને ડાયાબિટીસ છે અને સુગર લેવલ બરાબર નથી: સુનીતા કેજરીવાલ
આ પહેલા આજે સીએમ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે તેઓ મંગળવારે સાંજે જેલમાં પોતાના પતિને મળવા ગયા હતા. તેમને ડાયાબિટીસ છે અને સુગર લેવલ બરાબર નથી પરંતુ તેમનો નિશ્ચય મજબૂત છે. તેઓ ખૂબ જ સાચા દેશભક્ત, નીડર અને હિંમતવાન વ્યક્તિ છે. તેમને લાંબા આયુષ્ય, આરોગ્ય અને સફળતાની કામના કરજો. તેમણે કહ્યું છે કે મારું શરીર જેલમાં છે. પરંતુ મારી આત્મા તમારી વચ્ચે છે. જો તમે તમારી આંખો બંધ કરશો તો તમે મને તમારી આસપાસ અનુભવશો.
અરવિંદ કેજરીવાલ આવતી કાલે કરશે મોટો ખુલાસો: સુનીતા કેજરીવાલ
આ ઉપરાંત સુનીતા કેજરીવાલે કહ્યું હતું કે EDના વિવિધ દરોડામાં તેમને એક પણ પૈસો નથી મળ્યો અને તેમના પતિ 28 માર્ચે કોર્ટમાં કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડના પૈસાનો 'મોટો ખુલાસો' કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની ED દ્વારા 21 માર્ચે એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેમને 28 માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા હતા.