Get The App

IRS ઓફિસર હતા સુનિતા કેજરીવાલ, આ કારણે છોડી હતી નોકરી, પતિ જેલમાં ગયા તો સંભાળી કમાન

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
IRS ઓફિસર હતા સુનિતા કેજરીવાલ, આ કારણે  છોડી હતી નોકરી, પતિ જેલમાં ગયા તો સંભાળી કમાન 1 - image


Image Source: Twitter

Arvind Kejriwal Wife Sunita Kejriwal Education Qualification: હાલમાં દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલને લઈને રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં સીએમ કેજરીવાલનું સ્થાન હવે તેઓ લઈ શકે છે. હાલમાં તેમનો એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે જેમાં તેમણે તેમના પતિ અરવિંદ કેજરીવાલને નિર્દોષ ગણાવતા કહ્યું હતું કે EDને તેમના ઘરમાંથી માત્ર 73 હજાર રૂપિયા જ મળ્યા હતા.

IRS ઓફિસર રહી ચૂક્યા છે સુનિતા કેજરીવાલ

પૂર્વ IRS અધિકારી સુનીતા કેજરીવાલ અને અરવિંદ કેજરીવાલની જોડી ઘણી જૂની છે. બંને જ IRS  ઓફિસર રહી ચૂક્યા છે. બિહારમાં જ્યારે સરકારમાં રહીને લાલુ યાદવને જેલમાં જવું પડ્યું હતું ત્યારે તેમની જગ્યાએ તેમની પત્ની રાબડી દેવીને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. એવી જ રીતે માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી પદની જવાબદારી સુનીતા કેજરીવાલને આપવામાં આવી શકે છે. સુનિતા કેજરીવાલ એક ઉચ્ચ શિક્ષિત મહિલા છે જેના પર આમ આદમી પાર્ટી વિશ્વાસ વ્યક્ત કરી શકે છે. તો આપણે એક નજર સુનીતા કેજરીવાલના શિક્ષણ પર કરીએ.

20 વર્ષથી વધુ સિવિલ સર્વિસમાં રહ્યા છે

સુનીતા કેજરીવાલ પૂર્વ IRS અધિકારી તો છે જ આ સાથે જ તેમને સિવિલ સર્વિસનો પણ 20 વર્ષથી વધુનો અનુભવ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુનીતા કેજરીવાલે જૂલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. 1993 બેચની IRS ઓફિસર સુનીતાની પ્રથમ મુલાકાત તે સમયે 1995ની બેચના IRS ઓફિસર અરવિંદ કેજરીવાલ સાથે ભોપાલમાં થઈ હતી. બંને એક ટ્રેનિંગ પ્રોગ્રામમાં મળ્યા હતા. બાદમાં આ મુલાકાત લગ્નમાં પરિણમી હતી. ત્યારબાદ જ્યારે અરવિંદ કેજરીવાલે વર્ષ 2006માં IRSના પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે પણ સુનીતા સિવિલ સર્વિસમાં જ રહ્યા હતા. વર્ષ 2006માં કેજરીવાલ ઈન્ડિયન રેવેન્યુ સર્વિસમાં જોઈન્ટ કમિશનર તરીકે તૈનાત હતા.

અરવિંદ કેજરીવાલ જ્યારે સક્રિય રાજકારણમાં આવી ગયા અને દિલ્હીમાં તેમની એક અલગ ઓળખ બની ગઈ ત્યારબાદ જુલાઈ 2016માં સુનીતા કેજરીવાલે VRS લઈને લાલ લાઈટની ગાડી પણ છોડી દીધી હતી. તે દરમિયાન સુનીતા કેજરીવાલ પર ચૂંટણી પ્રચાર માટે વધુ પડતી રજાઓ લેવા અંગે મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ રહી હતી. આ જ ચર્ચાઓ બાદ તેમના દ્વારા VRS લેવાના સમાચાર સામે આવ્યા હતા. VRS લેતા પહેલા સુનિતા કેજરીવાલ દિલ્હીમાં ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)માં ઈન્કમ ટેક્સ કમિશનર તરીકે તૈનાત હતા. તેને હજુ પણ વિભાગ તરફથી પેન્શન મળે છે.

સમર્થ લીડર તરીકે પણ છે ઓળખ

હાલમાં સુનીતા કેજરીવાલ અરવિંદ કેજરીવાલના જેલ ગયા બાદ દિલ્હીના રાજકીય મંચ પર એક નવી ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ પહેલા તેઓ એક પારિવારિક મહિલા, નિવૃત્ત અધિકારી ઉપરાંત એક સામાજિક કાર્યકર તરીકે પણ ઓળખાતા હતા. તેઓ સમાજ સેવા અને ન્યાયના ક્ષેત્રમાં સક્રિય રહે છે. પતિ અરવિંદ કેજરીવાલ સાથે મળીને તેઓ દિલ્હીના વિકાસ અને વહીવટમાં યોગદાન આપવા માટે સક્રિય રહ્યા છે. સુનીતા કેજરીવાલને એક સમર્થ લીડર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેઓ પોતાના કામ દ્વારા સામાજિક પરિવર્તનમાં યોગદાન આપે છે.


Google NewsGoogle News