દિલ્હીમાં રાજકીય હલચલ: કેજરીવાલ સરકાર વિધાનસભામાં લાવશે વિશ્વાસ મત પ્રસ્તાવ
- કેજરીવાલે કહ્યું હતું કે, મે સાંભળ્યું છે કે, ભાજપ અમારા 40 ધારાસભ્યોને લાંચ આપીને તોડવાનો પ્રયાસ કરી રહી છે મને ખુશી થાય છે કે, એક પણ ધારાસભ્યએ હાર માની નથી
નવી દિલ્હી, તા. 29 ઓગષ્ટ 2022, સોમવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સદનમાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરશે. ભાજપ દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારને તોડી પાડવાના પ્રયાસોના દાવાઓ વચ્ચે આ કામ કરવામાં આવી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ સવારે 11:00 વાગ્યે સદન શરૂ થતાંની સાથે જ પ્રસ્તાવ રજૂ કરશે.
CM અરવિંદ કેજરીવાલ આ સદનમાં કોન્ફિડેંસ મોશન લાવવા માંગે છે. સાથે જ તેમના એક પણ ધારાસભ્યો ન તૂટે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની જનતાને વિશ્વાસ અપાવા માટે કોન્ફિડેંસ મોશન લાવવા માગુ છું.
મામલા સાથે જોડાયેલી માહિતી
- તમને જણાવી દઈએ કે વિશ્વાસ મત યોજવાનો પ્રસ્તાવ AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ તરફથી રજૂ કર્યો હતો. કારણ કે તેઓ સાબિત કરવા માંગતા હતા કે, તેમની પાર્ટીમાં કોઈ ભંગાણ નથી. હકીકતમાં તેમણે ભૂતકાળમાં ભાજપ પર ગંભીર આરોપ મૂક્યો હતો કે ભાજપે તેમની પાર્ટીના ધારાસભ્યોને પક્ષ પલટો કરવા બદલ 20 કરોડ રૂપિયાની ઓફર કરી છે.
- તેમના મનીષ સિસોદિયાએ એવો દાવો કર્યો છે કે, તેમને ભાજપનો મેસેજ મળ્યો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ ભાજપમાં આવી જશે તો CBI-EDના તમામ કેસ બંધ કરાવી દેવાશે.
- અરવિંદ કેજરીવાલે 25 ઓગષ્ટના રોજ પોતાના ઘરે AAP ધારાસભ્યોની બેઠકનું આયોજન કર્યું હતું. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કુલ 62 ધારાસભ્યો છે જેમાંથી 53 ધારાસભ્યોએ પોતાની હાજરી આપી હતી જ્યારે અન્ય વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સામેલ થયા હતા.
- કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ પોતાના ધારાસભ્યો સાથે BJPના ઓપરેશન લોટસની નિષ્ફળતા માટે પ્રાર્થના કરવા રાજઘાટ ગયા હતા. AAPએ ભાજપ પર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની તર્જ પર તેમની સરકારને તોડી પાડવા માટે 'ઓપરેશન લોટસ'નું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.
- કેજરીવાલે કહ્યું હતું કે, મે સાંભળ્યું છે કે, ભાજપ અમારા 40 ધારાસભ્યોને લાંચ આપીને તોડવાનો પ્રયાસ કરી રહી છે. મને ખુશી થાય છે કે, એક પણ ધારાસભ્યએ હાર માની નથી.
- CBIએ હાલમાં દિલ્હીના લિકર પોલિસી મામલે કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં સિસોદિયાના પરિસરમાં દરોડા પાડ્યા હતા જે આ વર્ષની શરૂઆતમાં સબમિટ કરવામાં આવી હતી અને બાદમાં પાછી ખેંચી લેવામાં આવી હતી.
- AAPએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અરવિંદ કેજરીવાલને 'ડરાવવા' માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ કરવાનો આરોપ મૂક્યો છે જેઓ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેમના પ્રશંસનીય કાર્ય માટે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.
- જોકે, ભાજપે AAPના આરોપોને નકારી કાઢ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તે તેમની સરકારમાં પ્રચંડ ભ્રષ્ટાચારથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
- લેફ્ટનન્ટ ગવર્નરે ગયા મહિને CBI તપાસની ભલામણ કરી હતી AAP પર ખાનગી લિકર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે એક્સાઈઝ પોલિસી લાવવાનો આરોપ લગાવ્યો હતો.
- 70 સભ્યોની દિલ્હી વિધાનસભામાં AAPના 62 ધારાસભ્યો છે જેમાંથી ભાજપ પાસે 8 છે અને બહુમત માટે વધુ 28ની જરૂર છે.