અરવિંદ કેજરીવાલને ઈડીનું આઠમું સમન્સ, લિકર પોલિસી કેસમાં આજ સુધી હાજર નથી થયા
સાત-સાત સમન્સ પાઠવવા છતાં પણ કેજરીવાલ હાજર ન થતા EDએ કોર્ટનો સહારો લીધો
કેજરીવાલે કહ્યું હતું કે, ‘આ મામલે કોર્ટના આદેશ બાદ જ તેઓ ઈડી સમક્ષ હાજર થશે’
Delhi Liquor Policy Case : દિલ્હી એક્સાઈઝ નીતિ કૌભાંડ કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની તપાસ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)ને આઠમું સમન્સ પાઠવ્યું છે. અગાઉ પાઠવાયેલા સાત સમન્સમાં કેજરીવાલ કોઈને કોઈ કારણસર ઈડી સમક્ષ હાજર થયા નથી. હવે આ આઠમું સમન્સ કેજરીવાલની મુશ્કેલી વધારી શકે છે.
કેજરીવાલને 16 માર્ચ સુધીમાં ED સમક્ષ હાજર થવા કોર્ટનો આદેશ
કેજરીવાલે જણાવ્યું હતું કે, આ મામલે કોર્ટના આદેશ બાદ જ તેઓ ઈડી સમક્ષ હાજર થશે. ત્યારબાદ ઈડીએ દિલ્હીની એક અદાલતનનો સહારો લીધો હતો. કોર્ટે કેજરીવાલને 16 માર્ચ સુધીમાં હાજર થવા નિર્દેશ આપ્યો છે. હાલ સ્થાનિક કોર્ટમાં કેસ વિચારાધીન છે, તેથી ઈડીએ આઠમું સમન્સ પાઠવતી વખતે કેજરીવાલને મોકલેલી નોટીસ અયોગ્ય હોવાની દલીલ ફગાવી દીધી છે.
સાત સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ ઈડી સમક્ષ ન થયા હાજર
ઈડીએ દિલ્હી એક્સાઈઝ નીતિ કૌભાંડ કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની પૂછપરછ કરવા કેજરીવાલને સમન્સ પાઠવ્યા છે. આ પહેલા ઈડીએ કેજરીવાલને 22 જાન્યુઆરીએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. ત્યારબાદ ગત વર્ષે બે નવેમ્બર, અને 21 ડિસેમ્બર, પછી આ વર્ષે ત્રણ જાન્યુઆરી, 18 જાન્યુઆરી, બે ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરીએ પણ કેજરીવાલને સમન્સ પાઠવી ચુકી છે. સાત-સાત સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા નથી.