કેજરીવાલે ધરપકડ બાદ રાજીનામું આપી દેવાની જરૂર હતી, આપના પરાજય પર PKની પ્રતિક્રિયા
Prashant Kishor On Arvind Kejriwal: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે કમળ ખીલ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે દિલ્હીની સત્તામાં 27 વર્ષ બાદ શાનદાર વાપસી કરી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીની હાર પર જન સૂરાજ પાર્ટીના પ્રમુખ અને ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, એક્સાઇઝ પૉલિસી કેસમાં જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલનું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું એ એક મોટી વ્યૂહાત્મક ભૂલ હતી, જેના કારણે પાર્ટીને ભારે નુકસાન થયું છે.
એક ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીતમાં પ્રશાંત કિશોરે જણાવ્યું કે, તાજેતરના વર્ષોમાં કેજરીવાલની બદલાતી રાજકીય વ્યૂહરચના, જેમ કે પહેલા I.N.D.I.A. બ્લોકમાં સામેલ થવું અને પછી એકલા દિલ્હી ચૂંટણી લડવાનો નિર્ણય લેવો, તે પણ AAPના નબળા પ્રદર્શનના મુખ્ય કારણોમાંથી એક હતું.
કેજરીવાલે ધરપકડ બાદ રાજીનામું આપી દેવાની જરૂર હતી
ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે, આમ આદમી પાર્ટીની હારનું સૌથી મોટું કારણ 10 વર્ષની એન્ટી ઇન્કમબન્સી હતી. બીજી તરફ કદાચ સૌથી મોટી ભૂલ કેજરીવાલનું રાજીનામું હતું. હકીકતમાં કેજરીવાલે ત્યારે રાજીનામું આપવાની જરૂર હતી જ્યારે તેમની એક્સાઇઝ પૉલિસી મામલે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જામીન મળ્યા પછી અને ચૂંટણી પહેલા બીજા કોઈને મુખ્યમંત્રી બનાવવું તેમના માટે એક મોટી વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ.
ભાજપની દિલ્હીની સત્તામાં 27 વર્ષ બાદ વાપસી
તમને જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 27 વર્ષ પછી સત્તામાં વાપસી કરી છે. ભાજપે 70માંથી 48 વિધાનસભા બેઠકો જીતીને આમ આદમી પાર્ટીના 10 વર્ષના શાસનનો અંત આણ્યો. બીજી તરફ આમ આદમી પાર્ટી માત્ર 22 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસ સતત ત્રીજી વખત ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહી છે.
કેજરીવાલની સતત બદલાતી રાજકીય વ્યૂહરચનાએ નુકસાન પહોંચાડ્યું
પ્રશાંત કિશોરે કહ્યું કે, કેજરીવાલની સતત બદલાતી રાજકીય વ્યૂહરચનાઓએ તેમની વિશ્વસનીયતાને નબળી પાડી છે. પહેલા I.N.D.I.A. બ્લોકમાં સામેલ થવું અને પછી તેમાંથી બહાર નીકળી જવાનો તેમનો નિર્ણય તેમની છબીને નુકસાન પહોંચાડનારો હતો. આ ઉપરાંત તાજેતરના વર્ષોમાં તેમનું વહીવટી મોડેલ પણ નબળું પડ્યું છે. દિલ્હીમાં ગત ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેનાથી AAP સરકારની વહીવટી નિષ્ફળતાઓ છતી થઈ હતી. ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતાં લોકોને પડતી સમસ્યાઓએ કેજરીવાલ સરકારની કાર્યશૈલી સવાલના ઘેરામાં આવી અને આ તેમના માટે હાનિકારક સાબિત થયું.
કેજરીવાલ માટે એક નવી તક
પ્રશાંત કિશોરે કહ્યું કે આ હારને કેજરીવાલ માટે એક નવી તક તરીકે જોઈ શકાય છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં AAP માટે રાજકીય વાપસી કરવી મુશ્કેલ બનશે, પરંતુ હવે કેજરીવાલ પાસે સરકાર ચલાવવાની જવાબદારી નથી. તેઓ આ સમયનો ઉપયોગ ગુજરાત જેવા રાજ્યોમાં આમ આદમી પાર્ટીના વિસ્તરણ માટે કરી શકે છે, જ્યાં પાર્ટીએ છેલ્લી ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કર્યું હતું.