VIDEO: ‘...તો હું પાંચમી જૂને જેલમાંથી બહાર આવી જઈશ’ AAP કોર્પોરેટરોને કેજરીવાલનું સંબોધન

Updated: May 13th, 2024


Google NewsGoogle News
VIDEO: ‘...તો હું પાંચમી જૂને જેલમાંથી બહાર આવી જઈશ’ AAP કોર્પોરેટરોને કેજરીવાલનું સંબોધન 1 - image

Delhi Lok Sabha Elections 2024 : દિલ્હીની લિકર પોલિસીમાં કથિત મની લોન્ડ્રિંગના કેસમાં વચગાળાના જામીન પર બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) આજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘જો ચૂંટણી પરીણામો જાહેર થયા બાદ INDIA ગઠબંધન સત્તામાં આવશે તો હું પાંચ જૂને તિહાર જેલમાંથી બહાર આવી જઈશ.

મારા પર CCTVથી નજર, PMOને પણ ફીડ ઉપલબ્ધ કરાવાઈ : કેજરીવાલ

કેજરીવાલે કોર્પોરેટરોને સંબોધતા આક્ષેપ કર્યો કે, ‘તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડી દરમિયાન મને તોડવાનો અને અપમાનિત કરવાનો પ્રયાસ કરાયો હતો. મને જેલમાં જે સેલમાં રખાયો હતો, તેમાં બે સીસીટીવી કેમેરા લગાવાયા હતા અને મારી ગતિવિધિઓ પર 13 અધિકારીઓ દ્વારા દેખરેખ રખાતી હતી.’ તેમણે દાવો કર્યો કે, જેલમાં લગાવાયેલા સીસીટીવીની ફીડ વડાપ્રધાનના કાર્યાલયને પણ ઉપલબ્ધ કરાવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મારા પર નજર રાખી રહ્યા હતા. મને ખબર નથી કે વડાપ્રધાનને મારી સાથે શું ફરિયાદ છે.

‘...તો હું પાંચમી જૂને જેલમાંથી બહાર આવી જઈશ’

તેમણે વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ લોકોને સન્માન અને પ્રેમ આપે છે અને અમારા કામના કારણે જ ભાજપ (BJP) અમારાથી ડરે છે. તેમણે કોર્પોરેટરોને કહ્યું કે, બીજી જૂને હું ફરી જેલમાં જઈશ. હું જેલની અંદર બેસી ચોથી જૂનના પરિણામો જોઈશ. જો ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો હું પાંચમી જૂને જેલમાંથી બહાર આવીશ.

‘મારી ધરપકડ બાદ ભાજપે મને તોડવાના લાખો પ્રયાસો કર્યા’

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘મારી ધરપકડ કરાયા બાદ ભાજપે મને તોડવાના લાખો પ્રયાસો કર્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી તૂટવાના બદલે વધુ મજબૂત અને એક થઈ રહી છે. મારા ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો અને મિત્રોનું મને આમંત્રણ મળ્યું છે કે, તમે અહીં આવીને પણ પ્રચાર કરો. હું આગામી 21 દિવસમાં જ્યાં પણ શક્ય હશે ત્યાં જઈશ અને ભાજપને હરાવવા પ્રચાર કરીશ. તમે લોકો હવે સખત મહેનત કરો. મારે બીજી જૂને પાછા જેલમાં જવું પડશે, પરંતુ જો તમે લોકો 4 જૂને ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનાવશો તો હું 5મી જૂને બહાર આવીશ.’

કેજરીવાલે ગઈકાલે મોતીનગરમાં કર્યો રોડશો

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલે મોતીનગર લોકસભા વિસ્તારમાં રોડશો કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘તમે બધાએ મારા માટે પ્રાર્થના કરી. તમારા પ્રેમ અને ઉપરવાળાની મહેરબાનીના કારણે આજે હું તમારી વચ્ચે ઉભો છું. હવે તે લોકો કહી રહ્યા છે કે, મારે 20 દિવસ બાદ ફરી જેલમાં જવું પડશે. જો તમે લોકો ઈચ્છો કે, હું જેલમાં ન જાઉ, તો 25 મેએ AAP અને INDIA ગઠબંધનને વોટ આપજો. જો તમે ફરી ઝાડુનું બટન દબાવશો, તો મારે ફરી જેલમાં જવાની જરૂર નહીં પડે. ઉલ્લેખનીય છે કે, તેમણે નવી દિલ્હીના ઉમેદવાર સોમનાથ ભારતીના સમર્થનમાં રોડશો કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની લિકર પોલિસી (Delhi Liquor Scam)માં કથિત મની લોન્ડ્રિંગના કેસમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટો તેમને લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા માટે એક જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા છે. ત્યારબાદ કેજરીવાલે બીજી જૂને આત્મસમર્પણ કરવાનું રહેશે અને ફરી જેલમાં જવું પડશે. લોકસભા ચૂંટણીનું સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પહેલી જૂને યોજાવાનું છે, જ્યારે ચોથી જૂને પરિણામો જાહેર થશે.


Google NewsGoogle News