ફટાકડા નહીં દીવા પ્રગટાવો, હિન્દુ-મુસ્લિમની વાત જ નથી, દરેક વ્યક્તિનો શ્વાસ જરૂરી: અરવિંદ કેજરીવાલ
Image Source: Twitter
Arvind Kejrwial On Fire Cracker Ban: દર વર્ષે જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવે છે તેમ ફટાકડા ફોડવા જોઈએ કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ જાય છે. રાજધાની દિલ્હીમાં સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે પણ આ અંગે કડક આદેશ આપ્યા છે. આવી સ્થિતિમાં હિંદુ સંગઠનો વારંવાર માત્ર હિંદુઓના તહેવારો પર જ નૈતિક જવાબદારી થોપવાનો આરોપ લગાવી રહ્યાં છે. હવે આ મામલે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાતચીત કરતા દિલ્હીના પૂર્વ સીએમને પૂછવામાં આવ્યું કે, શું ફટાકડા પર પ્રતિબંધ હિંદુ વિરોધી છે કે નહીં?
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું પણ કહેવું છે કે દિવાળી પર ફટાકડા નહીં દીવા પ્રગટાવો. આ રોશનીનો તહેવાર છે. એવું નથી કે આપણે કોઈના પર ઉપકાર કરી રહ્યા છીએ. જે પણ પ્રદૂષણ થશે તેના પરિણામ આપણા બાળકોએ જ ભોગવવા પડશે. આમાં હિંદુ કે મુસ્લિમની વાત જ નથી. દરેક વ્યક્તિનો શ્વાસ જરૂરી છે.
આ મામલે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'દિવાળી પર ખૂબ ફટાકડા ફોડો. તેમણે કહ્યું કે લોકો બકરી ઈદ પર કેમ સવાલ નથી ઉઠાવતા. તેવર દેખાડતા તેમણે કહ્યું હતું કે, આપણે સવાલ ઉઠાવનારા પર જ સૂતળી બોમ્બ રાખી દઈશું.'
ગોપાલરાયની કાર્યવાહી
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે એક દિવસ પહેલા જણાવ્યું હતું કે, શહેરમાં દરોડા દરમિયાન 19,005 કિલોગ્રામ ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે અત્યાર સુધીમાં 79 કેસ નોંધવામાં આવ્યા છે. દિવાળી પહેલા લેવામાં આવેલા પ્રદૂષણ વિરોધી પગલાંની સમીક્ષા કરવા માટે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને પોલીસ સાથેની બેઠક દરમિયાન રાયે કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા પર રોક લગાવવા માટે 377 ટીમો તહેનાત કરવામાં આવી છે.