અટકળોનો અંત: પંજાબમાં નહીં થાય નેતૃત્વ પરિવર્તન, બેઠક બાદ કેજરીવાલનું મોટું નિવેદન
Punjab Politics: પંજાબમાં મુખ્યમંત્રી બદલવાના નથી, આ અંગે આપ(AAP)ના વડા અરવિંદ કેજરીવાલે સંકેત આપ્યા છે. આપના ધારાસભ્યો સાથે મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, 'પંજાબમાં એ જ નેતૃત્વ રહેશે અને એ જ કાર્ય ચાલુ રહેશે.' હવે આ નિવેદન મહત્ત્વનું છે કારણ કે દિલ્હીમાં ચૂંટણી હાર પછી, એવી અટકળો ચાલી રહી હતી કે અરવિંદ કેજરીવાલ હવે પંજાબ તરફ વળશે.
અરવિંદ કેજરીવાલની સ્પષ્ટતા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે, પંજાબમાં કોઈ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ભગવંત માન પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ચલાવતા રહેશે. જોકે, આ પહેલા સીએમ ભગવંત માને મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'પંજાબને આપેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે, દરેક ગેરંટી પૂરી કરવામાં આવશે.'
પંજાબમાં અમારી સરકાર લોકોના હિતમાં ઘણું કામ કરી રહી છે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, 'પંજાબના અમારા બધા કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો બેઠકમાં આવ્યા હતા. અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા. દિલ્હીની ચૂંટણીમાં પંજાબના અમારા સાથીઓએ ખૂબ મહેનત કરી, તેથી તેમનો આભાર માન્યો હતો. પંજાબમાં અમારી સરકાર લોકોના હિતમાં ઘણું કામ કરી રહી છે, પછી ભલે તે વીજળીનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું, અમે ત્યાં કામ કરી રહ્યા છીએ અને આપણે તેને વધુ વેગ આપવાનો છે.'
ભગવંત માનએ વધુમાં જણાવ્યું હતું કે, 'જીત અને હાર હોય છે, અમે દિલ્હીની ટીમના અનુભવનો ઉપયોગ પંજાબમાં કરીશું. અમારી પાર્ટી તેના કામ માટે જાણીતી છે, અમે ધર્મ કે ગુંડાગીરીનું રાજકારણ નથી કરતાં. આજે અમારી દિલ્હી અને પંજાબની ટીમોએ સાથે મળીને નિર્ણય લીધો છે કે અમે પંજાબને એક મોડેલ બનાવીશું અને દેશને બતાવીશું.'