Get The App

ઈડીની કસ્ટડીમાં કેજરીવાલની ‘ભૂલ’થી આતિશી-સૌરભ ભારદ્વાજ ફસાશે?, જાણો કાયદો શું કહે છે

હાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ઈડીની કસ્ટડીમાં બંધ

કેજરીવાલે ઈડીની કસ્ટડીમાંથી આદેશ જારી કરતો પત્ર લખતા ભાજપ નેતાએ કરી ફરિયાદ

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
ઈડીની કસ્ટડીમાં કેજરીવાલની ‘ભૂલ’થી આતિશી-સૌરભ ભારદ્વાજ ફસાશે?, જાણો કાયદો શું કહે છે 1 - image


Arvind Kejriwal Custody : દિલ્હી લિકર પોલિસી કૌભાંડ (Delhi Liquor Policy Scam Case)માં ઈડીની કસ્ટડીમાં બંધ અરવિંદ કેજરીવાલ ફરી નવી મુસીબતમાં ફસાઈ શકે છે. કસ્ટડીમાં લેખિત આદેશ જારી કરવા મામલે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. કાયદા મુજબ તેઓ કસ્ટડીમાં હોવાથી મુખ્યમંત્રી તરીકે કોઈપણ સત્તાવાર આદેશ જારી ન કરી શકે. જોકે અત્યાર સુધીમાં આવા બે પત્ર સામે આવી ચુક્યા છે. જો પત્રો કેજરીવાલે લખ્યા નથી તેમ છતાં તેમના પત્રો હોવાનું કહ્યું હશે તો દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેના (Atishi Marlena) અને સૌરભ ભારદ્વાજ (Saurabh Bhardwaj) પણ ફસાઈ શકે છે.

...તો કેજરીવાલ સામે નવો કેસ નોંધાશે

એવું કહેવાય છે કે, તે પત્રો પર અરવિંદ કેજરીવાલે હસ્તાક્ષર કર્યા છે. કસ્ટડીમાં હોવા છતાં તેમણે બંને પત્રો લખી આદેશ જારી કર્યા હોવાનું સાબિત થશે તો તેમની સામે નવો કેસ નોંધાઈ શકે છે. જો તેમણે પત્રો પર હસ્તાક્ષર કર્યા નથી અને તેમના હસ્તાક્ષર કરેલા પત્રો હોવાનું કહી મીડિયા સામે રજૂ કરાયા છે, તો આ મામલે ઉપરોક્ત પત્રોને કેજરીવાલનો પત્ર હોવાનું કહી મીડિયા સામે રજૂ કરનારા (આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજ) ફસાઈ શકે છે, આ મામલે ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાને લેખિત ફરિયાદ કરી છે. આ મામલે તપાસ થઈ શકે છે.

કસ્ટડીમાંથી પત્ર લખવો ગુનો? જાણો શું કહે છે કાયદો

કાયદાના જાણકારોના મતે, નિયમ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં રહેનારો કોઈપણ વ્યક્તિ આવા પત્રો પર હસ્તાક્ષર ન કરી શકે. તે વ્યક્તિ માત્ર વિશેષ પરિસ્થિતિમાં જેમ કે પોતાના વકીલ હસ્તાક્ષર કરાવે તો... અને તે પણ જેલના અધિકારીઓને અગાઉથી સૂચના આપવી જરૂરી છે. જો અધિકારીઓની જાણ બહાર આવા કોઈ પત્ર પર હસ્તાક્ષર કરાયા છે, તો આ બાબત ગુનાની શ્રેણીમાં આવે છે અને આ મામલે તપાસ કરવામાં આવી શકે છે. જો કોઈ પત્ર પર અરવિંદ કેજરીવાલે હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ બહારના કોઈ વ્યક્તિએ પત્રને તેમનો પત્ર દર્શાવી પ્રજા સામે રજુ કર્યો છે, તો આ બાબત છેતરપિંડીની શ્રેણીમાં આવે છે. આ મામલે તે વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાઈ શકે છે. જોકે આ મામલે ખરેખર શું થયું, તે તપાસ બાદ જ કહી શકાય છે.

આતિશીએ કેજરીવાલે લખેલો પત્ર જાહેર કર્યો હતો

આમ આદમી પાર્ટી સતત એવું દેખાડવાનો પ્રયાસ કરી રહી છે કે, અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કૌભાંડમાં જેલમાં બંધ હોવા છતા દિલ્હીના લોકો માટે ચિંતિત છે. તેઓ દિલ્હીની પ્રજાની ભલાઈ માટે સતત નવા-નવા આદેશ જારી કરી રહ્યા છે. જેલની ઘટના બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ કેજરીવાલ દ્વારા હસ્તાક્ષર કરાયેલો કથિત પત્ર 24 માર્ચે જાહેર કરી કહ્યું હતું કે, ‘દિલ્હીમાં ઉનાળા દરમિયાન તમામને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરવા મુદ્દે મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ઉનાળામાં તમામને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા અને સીવર સંબંધીત સમસ્યાઓ માટે જરૂરી તૈયારી કરવા નિર્દેશ આપ્યા છે. 

સૌરભ ભારદ્વાજે પણ કેજરીવાલના હસ્તાક્ષરવાળો પત્ર જાહેર કર્યો

આ ઉપરાંત AAP મંત્રી સૌરભ ભારદ્વાજે 26 માર્ચે કેજરીવાલ દ્વારા હસ્તાક્ષર કરાયેલો કથિત પત્ર દેખાડી કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ દિલ્હીની તમામ મોહલ્લા ક્લિનિક, હોસ્પિટલોમાં દવાઓની ઉપલબ્ધી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. આમ આદમી પાર્ટીના આ પ્રયાસો પ્રજાનું સમર્થન મેળવવાનો હતો, જોકે ત્યારબાદ આ મામલે પણ ભાજપે પ્રહાર શરૂ કરી દીધા છે.

કેજરીવાલના નકલી પત્રો, ભાજપનો આક્ષેપ

દિલ્હી BJPએ મંગળવારે કેજરીવાલના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું, જેમાં કેજરીવાલને રાજીનામું આપવા માંગ કરાઈ. આ દરમિયાન ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, ઉપરોક્ત પત્રો દ્વારા દિલ્હીની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. કેજરીવાલ જેલમાંથી બહાર હતા, ત્યારે પણ લોકોને છેતરતા હતા. હવે તેઓ જેલમાં બંધ છે, છતાં નકલી પત્રો દ્વારા દિલ્હી પ્રજાને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કસ્ટડીમાં બંધ નેતા આવા આદેશ જારી ન કરી શકે : સિરસા

તેમણે કહ્યું કે, કાયદાકીય રીતે ઈડીની કસ્ટડીમાં બંધ કોઈપણ નેતા આવા આદેશ જારી ન કરી શકે. જો આ પત્ર સાચા હશે તો કેજરીવાલે આ પત્રો કેવી રીતે લખ્યા, તેની તપાસ થશે. અને જો આ પત્રો નકલી છે અને કેજરીવાલે લખ્યા નથી, તો જેમણે પત્રને ખોટી રીતે મુખ્યમંત્રીનો પત્ર હોવાનું બતાવ્યું છે, તે લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે, આ સ્પષ્ટરીતે છેતરપિંડીનો મામલો છે અને આ મામલે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.


Google NewsGoogle News