દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, લિકર પોલિસી કેસમાં પહેલી એપ્રિલ સુધી રિમાન્ડ
Arvind Kejriwal Hearing| દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અહીં ઈડીએ તેમની કસ્ટડી વધારવાની માગ કરી હતી. ઇડીએ ફરી એકવાર 7 દિવસ માટે રિમાન્ડની માગ કરી હતી. ઈડીએ દાવો કર્યો હતો કે હજુ કેજરીવાલનો અન્ય આરોપીઓ સાથે આમનો સામનો કરાવવાનું બાકી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. આ દરમિયાન સુનાવણી પૂરી થતાં ઈડીની કસ્ટડીની માગ પર કોર્ટે ચુકાદો અનામત રાખી લીધો હતો. જો કે થોડીવાર પછી ચુકાદો સંભળાવતા કોર્ટે કેજરીવાલના રિમાન્ડમાં ચાર દિવસનો વધારો કરીને તેમને પહેલી એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા.
કેજરીવાલે ગણાવ્યું રાજકીય ષડયંત્ર...
રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર થવા પહોંચેલા મુખ્યમંત્રી કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં આ સમગ્ર મામલાને એક રાજકીય કાવતરું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘આ કાવતરું ઘડનારા લોકોને જનતા જ જવાબ આપશે. તપાસ માટે ઈડીના અધિકારીઓનો આભાર. મને કેમ પકડ્યો છે તે મને સમજાતું નથી? બે વર્ષથી આ બધુ ચાલે છે. કોઈ કોર્ટે અત્યાર સુધી મને દોષિત નથી માન્યો. મારી સામે કોઈ આરોપો નથી.’ આ દરમિયાન તેમણે મોટો આરોપ મૂકતાં કહ્યું કે, ‘અમારા વિરોધીઓ આમ આદમી પાર્ટીને તોડીને તેને ખતમ કરવા માગે છે.’
કેજરીવાલે ધરપકડને પડકારતાં ઈડીનો વિરોધ
કેજરીવાલે પૂછ્યું હતું કે, ‘શું ઈડી પાસે મારી વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા છે? મારી ખોટી રીતે ધરપકડ કરાઈ છે. મારું નામ ફક્ત ચાર નિવેદનમાં આવ્યું છે.’ આ અંગે જજે કેજરીવાલને જવાબ આપતા કહ્યું હતું કે, ‘તમે લેખિતમાં નિવેદન કેમ નથી આપતા? તમારે લેખિતમાં નિવેદન આપવું જોઈએ.’ ત્યારે કેજરીવાલે કહ્યું કે, ‘આ મામલો બે વર્ષથી ચાલે છે. ઈડીએ 25 હજાર પાનાની તપાસ કરી છે. ઈડી ફક્ત મારી ધરપકડ કરવા માગતી હતી. શું એક નિવેદન એક મુખ્યમંત્રીની ધરપકડ કરવા કાફી છે? અમે દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. હું રિમાન્ડનો સામનો કરવા તૈયાર છું.’
ઈડીએ કોર્ટમાં શું રજૂઆતો કરી
આ દરમિયાન ઈડીએ ફરી એકવાર કેજરીવાલના રિમાન્ડની માગ કરી હતી. ઈડીએ રજૂઆત કરી કે, ‘અમે કેજરીવાલનો સામનો ગોવાના નેતાઓ સાથે કરાવવા માગીએ છીએ.’ ઈડીએ દાવો કર્યો હતો કે, ‘કેજરીવાલ આઈટીઆરની વિગતો નથી આપી રહ્યા. તેઓ સીધા જવાબ નથી આપી રહ્યા. ધરપકડ કરવાનો અમારો અધિકાર છે. આ કેસમાં 100 કરોડની લાંચ માગવામાં આવી હતી. મુખ્યમંત્રી કેજરીવાલે તપાસમાં સહયોગ કરવો જોઈએ.’ ઉલ્લેખનીય છે કે કેજરીવાલ દ્વારા કોર્ટમાં અપાતા નિવેદનનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
કેજરીવાલની પત્નીનો મોટો આરોપ...
આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું હતું કે, ‘કેજરીવાલને હેરાન કરવામાં આવી રહ્યા છે.’ જો કે તેમણે એ વાતનો ખુલાસો નહોતો કર્યો કોણ તેમને હેરાન કરી રહ્યું છે? તેમણે એમ પણ કહ્યું કે કેજરીવાલનું સ્વાસ્થ્ય સારું નથી. આ તમામ મામલે જનતા જ જવાબ આપશે.’