અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી પૂર્ણ, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી પૂર્ણ, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો 1 - image


Liquor Policy Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી વખતે કેજરીવાલે દલીલ કરી હતી કે અમને ચૂંટણી લડતા રોકવાના પ્રયાસરૂપે મજબૂત પુરાવા વિના જ મારી ધરપકડ કરી લેવામાં આવી છે. કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું કે ઈડીના તમામ સમન્સ ગેરકાયદે હતા. ઈડીએ લેખિતમાં કંઈ જ આપ્યું નથી. ઘરે પણ કેજરીવાલનું નિવેદન લેવાના કોઈ પ્રયાસો થયા નહોતા. કેજરીવાલ સામે નિવેદન આપનારા લોકો પોતે પણ શંકાના ઘેરામાં છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

અભિષેક મનુ સિંઘવીએ કરી દલીલ... 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આ મામલે જ આપ નેતા સંજય સિંહને શરતો હેઠળ જામીન આપ્યા હતા. હવે તેના પરથી કેજરીવાલને પણ આશા જાગી છે. દરમિયાન તેમના વકીલ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે કેજરીવાલ સામે કોઈ પુરાવા નથી. કોઈ મજબૂત આધાર વગર જ તેમના અસીલની ધરપકડ કરી લેવામાં આવી છે.  કેજરીવાલની ધરપકડ ફક્ત તેમને અપમાનિત કરવા અને પરેશાન કરવા માટે કરાઇ છે. 

બે વર્ષ જૂના કેસમાં 2024માં ધરપકડ સામે સવાલો ઊઠાવ્યાં 

જસ્ટિસ સ્વર્ણ કાંત શર્માની બેન્ચ સમક્ષ કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. તેમણે કહ્યું કે અમારા અસીલ કેજરીવાલની ધરપકડ એવા સમયે થઈ છે જે તેમને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેતા રોકે છે. મતદાન પહેલા જ આમ આદમી પાર્ટીને ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.  બે વર્ષ જૂના કેસમાં 2024માં કેજરીવાલની ધરપકડ ઘણું બધું કહી જાય છે. આ ધરપકડનો સમય સ્પષ્ટ ગેરબંધારણીય ઉદ્દેશ્યનો સંકેત આપે છે. 

સેક્શન 19 હેઠળ શરતોનું પાલન ન થયું 

કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન સિંઘવીએ સવાલ કર્યો કે પીએમએલએમાં જામીન મેળવવી મુશ્કેલ છે પણ સેક્શન 19 હેઠળ ધરપકડ માટે શરતો રખાઈ છે. શું તેનું પાલન કરાયું? ધરપકડનો ઉદ્દેશ્ય બીજો જ કંઇક છે. શું કેજરીવાલ ભાગ જવાના હતા? સિંઘવીએ આ દરમિયાન ઈડીના વકીલ પર સુનાવણી ટાળવા માટેના પ્રયાસો ન કરવા પણ કહ્યું હતું કેમ કે ઈડીના વકીલે એવો દાવો કર્યો હતો કે સિંઘવી જ્યાંથી દલીલો મૂકી રહ્યા છે તેની કોઈ કોપી તેમને અપાઇ નથી. 


Google NewsGoogle News