પંજાબમાં નવાજૂનીના એંધાણ? AAPના તમામ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા, કેજરીવાલની બેઠક
Arvind Kejriwal Meeting with Punjab AAP Unit: અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીના કપૂરથલા હાઉસમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, તેમના મંત્રીઓ અને રાજ્યના AAP ધારાસભ્યો-સાંસદો સાથે બેઠક કરી હતી. જેમાં મનીષ સિસોદિયા પણ હાજર હતા. કેજરીવાલે પાર્ટીના રાજ્ય એકમમાં વધી રહેલા આંતરિક અસંતોષની ચર્ચા વચ્ચે તેમના પંજાબ નેતાઓની આ બેઠક બોલાવી હતી. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ બેઠક દિલ્હી વિધાનસભા ચૂંટણી પર ચર્ચા કરવા અને પંજાબના નેતાઓ પાસેથી પ્રતિક્રિયા લેવા માટે કરવામાં આવી હતી.
સીએમ માને પણ બેઠકમાં ભાગ લીધો
પંજાબના સીએમ ભગવંત માન, તેમના કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને AAP રાજ્ય એકમના અધિકારીઓ સહિત 200થી વધુ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે અઠવાડિયાથી દિલ્હીમાં કેમ્પ કરી રહ્યા હતા.
પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવાનો એજન્ડા
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે બેઠકનો એજન્ડા દિલ્હી ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરવાનો હતો અને 2027ની શરુઆતમાં યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવાનો હતો. દરમિયાન વિપક્ષી દળો કોંગ્રેસ અને ભાજપે દાવો કર્યો છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ ભગવંત માનને પંજાબના મુખ્યમંત્રી પદેથી હટાવવાની તૈયારી કરી રહ્યા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે દિલ્હીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલે ભગવંત માન, પંજાબના મંત્રીઓ અને ધારાસભ્યોને બેઠક માટે દિલ્હી બોલાવવાને બદલે પોતે પંજાબ જવું જોઈતું હતું. તેમના આ પગલાથી કોંગ્રેસના દાવાને બળ મળે છે કે પંજાબની સરકાર દિલ્હીથી ચલાવવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલે પ્રાદેશિક લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂર હતી.
આ પણ વાંચો: ભારતમાં હેટ સ્પીચમાં 74 ટકાનો ઉછાળો, PM મોદીનું ભાષણ પણ સામેલ: અમેરિકન રિપોર્ટ
બેઠક બાદ CM માને શું કહ્યું?
AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથેની બેઠક બાદ મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, 'પંજાબની સમગ્ર કેબિનેટ અને અમારા તમામ ધારાસભ્યોએ અમારી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે કપૂરથલા હાઉસમાં બેઠક કરી હતી. આમ આદમી પાર્ટીના પંજાબ યુનિટે દિલ્હી ચૂંટણી દરમિયાન સખત મહેનત કરી હતી, જેના માટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ પંજાબના નેતાઓનો આભાર માન્યો હતો.'
આ અંગે સીએમ માને વધુમાં કહ્યું કે, 'પંજાબમાં અમારી સરકાર લોકોના હિતમાં ઘણું કામ કરી રહી છે. તેમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર સામેલ છે. આપણે આ કામોને વધુ ગતિ આપવી પડશે. અમે એવું પંજાબ મોડલ બનાવીશું જે આખો દેશ જોશે.'