દિલ્હીમાં હારની અસર પંજાબમાં! કેજરીવાલે તમામ ધારાસભ્યોને બોલાવ્યા, ભાજપે કહ્યું-CMને હટાવાશે
Punjab Politics: દિલ્હીમાં કારમી હાર બાદ તરત જ આમ આદમી પાર્ટી (AAP)એ પંજાબમાં રાજકીય ગતિવિધિ તેજ કરી દીધી છે. પક્ષપલટાની અટકળો વચ્ચે એવા અહેવાલો છે કે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના AAP ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. તાજેતરમાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં AAP ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાવા માટે તૈયાર છે. જોકે, આ દાવા અંગે કોઈપણ AAP નેતાએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
આપના ધારાસભ્યોને મંગળવારે બધાં કામ રદ કર્યા!
અહેવાલો અનુસાર, કેજરીવાલે પંજાબના ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હીમાં બેઠક માટે બોલાવ્યા છે. આ બેઠક 11મી ફેબ્રુઆરીના રોજ બોલાવવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે પાર્ટીના ધારાસભ્યોને મંગળવારે બધાં કામ રદ કરવા અને કપૂરથલા હાઉસ ખાતે યોજાનારી બેઠકમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બેઠકનો એજન્ડા શું હશે.
આ પણ વાંચો: આવક તો નહીં દેવું ડબલ થયું...! ગુજરાતના ખેડૂતોને 3 વર્ષમાં 2,30,764 કરોડની લોન લીધી
પંજાબમાં વહેલી ચૂંટણીનો દાવો
ગુરદાસપુરના કોંગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ પંજાબમાં મધ્યસત્ર ચૂંટણીની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 'પંજાબ મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહે. પંજાબમાં AAP ધારાસભ્યોનું જૂથ વિખેરાઈ જશે. તેમના પક્ષના ઓછામાં ઓછા 35 ધારાસભ્યો પક્ષ બદલવા માટે તૈયાર છે. દિલ્હીના પરિણામો પંજાબમાં AAP દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારનો પણ પર્દાફાશ કરશે, જે આ વર્ષે ડાંગરની ખરીદીમાં દારૂ કૌભાંડ અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કૌભાંડના રૂપમાં સામે આવ્યો હતો. હવે બધું ખુલ્લેઆમ બહાર આવશે.'
લુધિયાણાથી પેટાચૂંટણી લડશે કેજરીવાલ?
દિલ્હીમાં હાર બાદ એવી ચર્ચા છે કે કેજરીવાલ હવે રાજ્યસભા અથવા અન્ય પંજાબ વિધાનસભામાં પ્રવેશ કરવા માટે પ્રયાસ કરી શકે છે. અનેક રાજકીય પંડિતોનું માનવું છે કે જો રાજ્યસભા સાંસદ બનવું હોય તો રાઘવ ચઢ્ઢાનું રાજીનામું લઈને તેમની જગ્યાએ સભ્ય બની શકાય. પંજાબના રાજકીય પંડિતોમાં એવી પણ ચર્ચા છે કે કેજરીવાલ લુધિયાણા પેટા ચૂંટણી લડી શકે છે.
ભાજપનો દાવો: ભગવંત માન CM પદ છોડશે
ભાજપ ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ ભગવંત માનને હટાવીને પોતે મુખ્યમંત્રી બનવા માંગે છે. ભગવંત માન મહિલાઓને એક હજાર રૂપિયાનો વાયદો પૂર્ણ કરી શક્યા નથી.