પૂજારીઓ અને ગ્રંથીઓને દર મહિને રૂ. 18000, દિલ્હી ચૂંટણી પહેલાં કેજરીવાલની જાહેરાત
Pujari Granthi Samman Yojana: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વધુ એક યોજનાની જાહેરાત કરી છે. વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે મોટી યોજનાઓ જાહેર કર્યા બાદ કેજરીવાલે મંદિરના પૂજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓ માટે પૂજારી અને ગ્રંથી સન્માન યોજના જાહેર કરી છે.
આ અંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ‘આજે હું વધુ એક મહત્ત્વની જાહેરાત કરવા જઈ રહ્યો છું. આ યોજનાનું નામ છે પૂજારી ગ્રંથી સન્માન યોજના. મંદિરોના પૂજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓને સન્માન આપવાની જોગવાઈ હેઠળ દર મહિને સહાય પેટે રૂ. 18000 અપાશે. દેશમાં પ્રથમ વખત પૂજારી વર્ગ માટે નાણાકીય સહાય આપતી યોજના જાહેર થઈ છે. પેઢી દર પેઢી કર્મકાંડ કરતાં પૂજારીઓ અને તેમના પરિવાર પ્રત્યે આપણે ક્યારેય ધ્યાન આપ્યું નથી.’
31 ડિસેમ્બરથી જ નોંધણી શરૂ કરી દેવાશે
કેજરીવાલે જણાવ્યું કે, આ યોજના માટે આવતીકાલે 31 ડિસેમ્બરથી નોંધણી શરૂ થશે. કનોટ પ્લેસના હનુમાન મંદિરના પૂજારીઓની નોંધણી કરાવીને આ યોજનાનો શુભારંભ કરાશે. ત્યારબાદ દિલ્હીના તમામ મંદિરો અને ગુરૂદ્વારાઓમાં નોંધણી પ્રક્રિયા શરૂ થશે.
યોજના નહીં અટકાવવાની પણ ભાજપને ચીમકી
આ યોજનાની જાહેરાત કરતાં કેજરીવાલે કહ્યું કે, ‘અગાઉ મહિલા સન્માન યોજનાની જાહેરાત બાદ ભાજપ કાર્યકરોએ તેની નોંધણી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, હવે તમે પૂજારીઓ અને ગ્રંથીઓની આ યોજના અટકાવવાનો પ્રયાસ ના કરતા. નહીં તો પાપ લાગશે અને પૂજારીઓ અને ગ્રંથીઓની પણ બદદુઆ મળશે.
મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના અમલી
દિલ્હીમાં ચૂંટણી પહેલાં કેજરીવાલે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના જાહેર કરી હતી. આ યોજનાઓ હેઠળ દિલ્હીમાં 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને રૂ. 1000 પ્રતિ માસ મળે છે. જો 2025માં ફરી આપ સરકાર સત્તા પર આવશે, તો આ રકમ વધારીને રૂ. 2100 પ્રતિ માસ કરવાનું વચન પણ અપાયું છે. આ ઉપરાંત સંજીવની યોજના હેઠળ સરકાર 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની સારવારનો ખર્ચ ઉપાડે છે.