CBI દ્વારા કેજરીવાલની ધરપકડ કાયદેસર કે ગેરકાયદે? SCના બે જજોનો મત અલગ, જુઓ કોણે શું કહ્યું

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
CBI દ્વારા કેજરીવાલની ધરપકડ કાયદેસર કે ગેરકાયદે? SCના બે જજોનો મત અલગ, જુઓ કોણે શું કહ્યું 1 - image


Arvind Kejriwal arrest legal or illegal : સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને કથિત લિકર પોલિસી કૌભાંડમાં CBI દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના મામલે શરતી જામીન આપી દીધા છે. જામીનના આ મામલે સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોના અલગ-અલગ મંતવ્યો હતાં. જેમાં જસ્ટિસ ભુઇંયાએ સીબીઆઈને કહ્યું કે, તે પોતાના પિંજરામાં બંધ પોપટવાળી છબી બદલે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે ચુકાદો વાંચતા કહ્યું, 'અમે ત્રણ પ્રશ્ન નક્કી કર્યાં છેઃ શું ધરપકડ ગેરકાયદેસર કરવામાં આવી હતી? શું અપીલકર્તાને નિયમિત જામીન આપવી જોઈએ? શું ચાર્જશીટ દાખલ કરવાથી સંજોગોમાં એવો ફેરફાર થાય છે કે તેને ટ્રાયલ કોર્ટમાં મોકલી શકાય?

આ પણ વાંચોઃ ઓફિસથી રહેવું દૂર, ફાઇલ પર સહી કરવાનો હક નહીં: કેજરીવાલને જામીન મળ્યા પણ શરતો લાગુ

જસ્ટિસ ભુઇંયાએ ધરપકડ પર કર્યાં સવાલ

જસ્ટિસ ઉજ્જલ ભુઇંયાએ કહ્યું, 'એવું લાગે છે કે, ઈડી આ કેસમાં અપીલકર્તાને ટ્રાયલ કોર્ટ દ્વારા નિયમિત જામીન આપ્યા બાદ સીબીઆઈ સક્રિય થઈ અને કસ્ટડીની માંગ કરી. 22 મહિનાથી વધારે સમય સુધી તેની ધરપકડ કરવાની જરૂરત દેખાતી નથી. આ પ્રકારની ધરપકડની કાર્યવાહી પર ગંભીર પ્રશ્ન ઊભા થાય છે. સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી ધરપકડ ઈડીના મામલે જામીનને નિરર્થક બનાવવાનો પ્રયત્ન છે. સીબીઆઈ એક પ્રમુખ તપાસ એજન્સી છે. તપાસ નિષ્પક્ષ રૂપે નથી થઈ એવી ધારણા દૂર કરવાનો પ્રયત્ન થવો જોઈએ. સીબીઆઈ પોતાની પાંજરામાં બંધ પોપટવાળી છબીમાંથી મુક્ત થવાની જરૂર છે.'

જામીન પર જસ્ટિસ ભુઇંયાએ સહમતિ દર્શાવી પરંતુ, તેઓએ ઈડીના મામલે જામીન શરતોની સામે વાંધો ઉઠાવ્યો, જેમાં કેજરીવાલને મુખ્યમંત્રી સચિવાલય જવા અથવા ફાઇલ પર સહી કરવાથી રોકવામાં આવ્યા છે. આ સાથે જ તેઓએ ધરપકડના સમય પર પણ સવાલ કર્યાં.

જસ્ટિસ સૂર્યકાંતે આરોપોને યોગ્ય જણાવ્યાં

જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, 'અમે અપીલકર્તાની દલીલોથી સંમત નથી કે, સીબીઆઈ કલમ 41 નું પાલન કરવામાં નિષ્ફળ રહી. અપીલકર્તાનો આરોપ કાયદા પ્રમાણે બરાબર છે. જેલમાં લાંબા સમય સુધી કેદ રહેવું આઝાદી માટે એક સમસ્યા છે. અદાલતો સામાન્ય રીતે સ્વતંત્રતાની તરફ જ ઝુકે છે.'

આ પણ વાંચોઃ કેજરીવાલના જામીન ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની શકે, હરિયાણા ચૂંટણીને મળશે બુસ્ટ

અરવિંદ કેજરીવાલને શરતોના આધારે જામીન આપવામાં આવી છે. જે મુજબ, કેજરીવાલ આ કેસના મામલે મેરિટ પર કોઈ સાર્વજનિક ટિપ્પણી નહીં કરે. ઈડી મામલે લગાવવામાં આવેલી તમામ શરતો લાગુ રહેશે. તેઓએ ટ્રાયલ કોર્ટ સાથે સંપૂર્ણ સહયોગ આપવાનો રહેશે.

કેજરીવાલે આ શરતોનું પાલન કરવું પડશે:

- મુખ્યમંત્રી કાર્યાલય કે સચિવાલય જઈ શકશે નહીં 

- કોઈ પણ સરકારી ફાઇલ પર સહી કરવાની અનુમતિ નહીં 

- કેસના ટ્રાયલ પર જાહેરમાં કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી નહીં 

- કોઈ પણ સાક્ષી સાથે વાત કરવી નહીં 

- કેસથી સંલગ્ન ફાઇલ સુધી પહોંચવા પ્રયાસ કરવો નહીં 

- જરૂર પડે ત્યારે ટ્રાયલ કોર્ટમાં હાજર થઈ તપાસમાં સહયોગ કરવો


Google NewsGoogle News