ઑફિસથી રહેવું દૂર, ફાઇલ પર સહી કરવાનો હક નહીં: કેજરીવાલને જામીન મળ્યા પણ શરતો લાગુ
Supreme Court set conditions on Kejariwal Bail : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કથિત લિકર કૌભાંડ કેસમાં કેજરીવાલને સીબીઆઇના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધી છે. આ પહેલાં ઈડીના મામલે પણ કેજરીવાલને જામીન મળી ગઈ હતી. હવે સુપ્રીમ કોર્ટે તેમને સીબીઆઇના મામલે પણ જામીન આપી દેતાં, કેજરીવાલનો જેલથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
જોકે, જામીન આપતાં પહેલાં સુપ્રીમ કોર્ટે અમુક શરત પણ મૂકી છે. જામીન મામલે તેમના પર એ જ શરતો લાગુ છે, જે ઈડીના મામલે જામીન આપતાં સમયે લગાવવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ કોઈપણ ફાઇલ પર સહી નહીં કરી શકે. આ સાથે જ તેમને ઑફિસ જવા પર પણ પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં, આ મામલે તે કોઈ નિવેદન કે ટિપ્પણી પણ નહીં કરી શકે.
કેજરીવાલે આ શરતોનું પાલન કરવું પડશે:
- મુખ્યમંત્રી કાર્યાલય કે સચિવાલય જઈ શકશે નહીં
- કોઈ પણ સરકારી ફાઇલ પર સહી કરવાની અનુમતિ નહીં
- કેસના ટ્રાયલ પર જાહેરમાં કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી નહીં
- કોઈ પણ સાક્ષી સાથે વાત કરવી નહીં
- કેસથી સંલગ્ન ફાઇલ સુધી પહોંચવા પ્રયાસ કરવો નહીં
- જરૂર પડે ત્યારે ટ્રાયલ કોર્ટમાં હાજર થઈ તપાસમાં સહયોગ કરવો
21 માર્ચે થઈ હતી ધરપકડ
કથિત લિકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના કારણે 10 મેના દિવસે તેમને કોર્ટે જામીન આપી હતી. ત્યારબાદ 2 જૂને કેજરીવાલે આત્મસમર્પણ કર્યું હતું. આ મામલે ઈડી અને સીબીઆઈ બંને તપાસ કરી રહી છે. ઈડીના મામલે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 12 જુલાઈએ જામીન મળી ગઈ હતી. હવે તેમને સીબીઆઈના મામલે પણ જામીન મળી ગઈ છે.
ક્યારે બહાર આવશે કેજરીવાલ?
અરવિંદ કેજરીવાલ હાલ તિહાડ જેલમાં છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમને થોડી રાહ જોવી પડશે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટનો લેખિત ઓર્ડર દિલ્હીના રાઉઝ એવેન્યુ કોર્ટમાં મોકલવામાં આવશે. ત્યાં બેલ બોન્ડ ભરવા પડશે. ત્યારબાદ રાઉઝ એવેન્યુ કોર્ટ રિલીઝ ઑર્ડર તૈયાર કરીને તિહાડ પ્રશાસનને મોકલશે. રિલીઝ ઑર્ડર મળ્યા બાદ જ કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકશે.